યુકે સરકારે મંગળવારે જણાવ્યું હતું કે કેનેડામાં એક શીખ અલગતાવાદી નેતાની હત્યા અંગેના “ગંભીર આરોપો”થી ભારત સાથે તેની ચાલી રહેલી વેપાર વાટાઘાટોને અસર થશે નહીં. બીજી તરફ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ જણાવ્યુ હતું કે આવા ગંભીર આક્ષેપોથી તેઓ ચિંતિત છે.
ખાલિસ્તાની નેતાની હત્યામાં ભારતની કથિત સંડોવણીના કેનેડાના આક્ષેપોથી ભારત-યુકેના સંબંધોને અસર થશે કે નહીં તેવા સવાલના જવાબમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડા પ્રધાન ઋષિ સુનકના પ્રવક્તાએ કહ્યું કે યુકે કેનેડિયન સત્તાવાળાઓ સાથે “ગાઢ સંપર્કમાં” છે. અમે આ ગંભીર આરોપો વિશે અમારા કેનેડિયન ભાગીદારો સાથે ગાઢ સંપર્કમાં છીએ. કેનેડિયન સત્તાવાળાઓ દ્વારા તપાસ ચાલુ છે ત્યારે વધુ ટિપ્પણી કરવી અયોગ્ય રહેશે.
વાંરવાર પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ભારત સાથે વેપાર વાટાઘાટો પર કામ પહેલાની જેમ ચાલુ રહેશે. અમે જે દેશોની સાથે વેપાર સોદા માટે વાટાઘાટો કરી રહ્યા છીએ તે વિશે અમને ચિંતા હોય, ત્યારે અમે સંબંધિત સરકાર સાથે સીધી રજૂઆત કરીએ છીએ. પરંતુ ભારત સાથેની વર્તમાન વાટાઘાટોના સંદર્ભમાં, આ વેપાર સોદા અંગેની વાટાઘાટો છે, અને અમે તેને અન્ય મુદ્દાઓ સાથે જોડવા માંગતા નથી.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાનના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે આ મામલાને લઈને ચાલી રહેલી તપાસમાં જે આરોપો લગાવવામાં આવ્યા છે તેને લઈને ઓસ્ટ્રેલિયા ખુબ જ ચિંતિત છે. ઓસ્ટ્રેલિયાનું માનવું છે કે તમામ દેશોએ એક બીજાની સાર્વભૌમત્વ અને કાયદાના શાસનનું સન્માન કરવું જોઈએ. અમે આ મામલે અમારા સહયોગીયોના સંપર્કમાં છીએ. અમે ભારતના ટોચના અધિકારીઓને અમારી ચિંતા જણાવી છે.
આ ઉપરાંત વધુમાં જણાવતા કહ્યું હતું કે અમે સમજીએ છીએ કે આવા રિપોટ્સ ઘણા ઓસ્ટ્રેલિયન સમુદાયો સાથે સંબંધિત છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય ખુબ જ મુલ્યવાન છે અને અમારા બહુસાંસ્કૃતિક સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.