મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદ તથા સરદાર સરોવર, ઉકાઈ અને કડાણા જેવા મોટા ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાજ્યના અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સોમવારે વરસાદે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને પણ ઘમરોળી નાંખ્યાં હતા. મધ્ય અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં આશરે 11,900 લોકોનું સ્થળાંતર કરાયું હતું. રાજ્યના 100 તાલુકામાં 1થી 10 ઇંચ વરસાદ નોંધાયો હતો. પંચમહાલ અને ગોધરા શહેરમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભરુચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 40 ફૂટે પહોંચતા નદી કિનારાના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. સુરતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં હાલ તાપી નદી બે કાંઠે વહી રહી હતી.
વેસ્ટર્ન રેલવે દ્વારા રવિવારે મોડી રાત્રે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જે હવે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે બ્રીજ નં.502 પર અપલાઈન પર પાણી જોખમી સ્તરથી નીચે ઉતરવાના કારણે આ ટ્રેક પરથી રેલવ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતા.
પૂરને કારણે કુલ 11,900 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અન્ય 207 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ભરુચ જિલ્લામાં 5,744 લોકો, નર્મદા જિલ્લામાં 2,317 લોકો, વડોદરા જિલ્લામાં 1,462, દાહોદમાં 20 અને પંચમહાલ જિલ્લામાં 70 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. નર્મદા ડેમની નજીકના 28 ગામો અસરગ્રસ્ત બન્યાં હતા.
ભારે વરસાદ અને વિવિધ ડેમમાંથી પાણી છોડવાને કારણે નર્મદા ઉપરાંત ઓરસંગ, હેરાન, મહી, મેશરી અને પાનમમાં પૂર આવ્યા હતા અને તેના પરિણામે નીચાણવાળા ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
સરકારે NDRFની બે ટીમો નર્મદામાં તૈનાત કરી હતી તથાં ભરૂચ, રાજકોટ, જૂનાગઢ અને વડોદરામાં એક-એક ટીમ તૈનાત કરી હતી. એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત નર્મદા, વડોદરા, દહોદ, ભરુચ અને બનાસકાંઠા જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) તૈનાત કરાઈ હતી. વડોદરામાં આર્મીની બે ટીમ સ્ટેન્ડબાય પર છે.
પંચમહાલ, મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, વડોદરા અને અમદાવાદ જિલ્લાના ભાગો રવિવારે ધોધમાર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા અને સેહરા તાલુકામાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 226 મીમી અને 220 મીમી વરસાદ નોંધાયો હતો, જે સમગ્ર ગુજરાતમાં દિવસભરનો સૌથી વધુ છે. રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકો (205 મીમી), સાબરકાંઠાનો તલોદ (181 મીમી), અને પંચમહાલનો મોરવા હડફ (171 મીમી) આ સમયગાળા દરમિયાન 100 મીમીથી વધુ વરસાદ પડ્યો હોય તેવા 16 તાલુકાઓમાં સમાવેશ થાય છે.
સરકારી ડેટા દર્શાવે છે કે ઉકાઈ, દમણગંગા, કડાણા અને ભાદર સહિત ઓછામાં ઓછા દસ મોટા ડેમ તેમના ઓવરફ્લો થવાના નિશાનની નજીક હતા.
રાજ્યમાં સરેરાશ 90.8 ટકા વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વાર્ષિક વરસાદના લગભગ 90.8 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં 137 ટકા અને 111 ટકા વરસાદ નોંધાયો છે, ત્યારબાદ દક્ષિણ, પૂર્વ-મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અનુક્રમે 85%, 83% અને 76% વરસાદ નોંધાયો છે.