નવું અને જૂનું સંસદભવન . (ANI Photo)

સરકારના કથિત છુપા એજન્ડાના અનેક તર્કવિતર્ક વચ્ચે સોમવારથી સંસદના પાંચ દિવસના  સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. સરકારના એજન્ડા મુજબ આ સત્રમાં પ્રથમ દિવસે સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા થશે તથા ચૂંટણી કમિશનરની નિમણૂક સહિત ચાર બિલો પર વિચારણા થશે. જોકે મહિલા અનામત બિલ અને નવા સંસદભવનમાં સંસદની કાર્યવાહીને ખસેડવામાં આવે તેવી વ્યાપક અટકળો થઈ રહી છે. વિપક્ષ માને છે કે સરકાર કોઇ લેજિસ્લેટિવ ગ્રેનેડ ફેંકી શકે છે. આ સત્રમાં સરકાર મહિલા અનામત બિલ તથા વન નેશન વન ઇલેક્શન અંગેનું બિલ રજૂ કરે તેવી શક્યતા છે.

સરકારે વિવિધ પક્ષોના ફ્લોર લીડર્સને માહિતી આપવા અને તેમના અભિપ્રાય જાણવા માટે એક  સર્વપક્ષીય બેઠક યોજી હતી. સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે મહિલા અનામત બિલ રજૂ કરવાની માગણી કરી હતી.

સરકારના એજન્ડામાં સંસદની 75 વર્ષની સફર ઉપરાંત એડવોકેટ (સુધારા) બિલ 2023, પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પિરિયોડિકલ્સ બિલ 2023 અને પોસ્ટ ઓફિસ બિલ 2023 રજૂ કરવામાં આવશે. પ્રેસ બિલને 3 ઓગસ્ટ 2023એ રાજ્યસભાએ મંજૂરી આપી હતી. પોસ્ટ ઓફિસ બિલ અગાઉ રાજ્યસભામાં રજૂ થયું હતું.

સરકારનો મુખ્ય એજન્ડા સંવિધાન સભાથી ચાલુ થયેલી સંસદની 75 વર્ષની સફર અંગે વિશેષ ચર્ચા કરવાનો છે, પરંતુ સત્રના અસાધારણ સમયે દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વધુમાં એજન્ડામાં સામેલ ન હોય તેવા કેટલાક નવા બિલ અથવા અન્ય આઇટમ રજૂ કરવાનો સરકારને વિશેષાધિકાર છે.

સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના બિલને સત્ર દરમિયાન વિચારણા અને પસાર કરવા માટે પણ સૂચિબદ્ધ કર્યું છે. આ ખરડો રાજ્યસભામાં ગયા ચોમાસા સત્રમાં રજૂ કરાયો હતો. વિપક્ષે તેનો વિરોધ કર્યો હતો. આ ખરડામાં મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરની સેવાની શરતોને સુપ્રીમ કોર્ટના જજ નહીં, પરંતુ કેબિનેટ સચિવની સમાન રાખવાની જોગવાઈ છે. તેનાથી મુખ્ય ચૂંટણી કમિશનરના દરજ્જાને નીચો કરવામાં આવતો હોવાનું માનવામાં આવે છે.

સંભવિત નવા ખરડા અંગે કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ ભાજપ સહિતના વર્તુળો માને છે કે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત માટેનો બિલ રજૂ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 સમીટ સહિતના વિવિધ કાર્યક્રમોમાં દેશના દરેક ક્ષેત્રોમાં મહિલાઓના વધતાં જતાં યોગદાનની વાત કરી ચુક્યા હોવાથી આવી અટકળોને વધુ વેગ મળ્યો છે. ભારતના પ્રમુખપદ હેઠળ રાષ્ટ્રીય રાજધાનીમાં G20ના સફળ સમાપનને કારણે ટ્રેઝર બેન્ચ આ મુદ્દે ચર્ચા કરવાની માગણી કરે તેવી શક્યતા છે.

અગાઉ સત્રની જાહેરાત કરતી વખતે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ તેને “વિશેષ સત્ર” ગણાવ્યું હતું. પરંતુ સરકારે પાછળથી સ્પષ્ટ કર્યું હતું કે તે નિયમિત સત્ર છે. તે વર્તમાન લોકસભાનું 13મું અને રાજ્યસભાનું 261મું સત્ર છે. સામાન્ય રીતે સંસદનું બજેટ, ચોમાસુ અને શિયાળુ સત્ર દર વર્ષે યોજાય છે. ચોમાસું સત્ર જુલાઈ-ઓગસ્ટમાં યોજાયું હતું જ્યારે શિયાળુ સત્ર નવેમ્બર-ડિસેમ્બરમાં થવાનું છે. બજેટ સત્ર દર વર્ષના જાન્યુઆરીના અંતથી શરૂ થવાનો નિશ્ચિત સમય હોય છે.

LEAVE A REPLY