બ્રિટિશ સરકારે શનિવારે જાહેરાત કરી હતી કે વિઝિટ અને સ્ટુડન્ટ માટે વિઝા ફીમાં સૂચિત વધારાનો અમલ ચાર ઓક્ટોબરથી થશે. આનાથી ભારત સહિતના વિશ્વભરના પ્રવાસીઓએ છ મહિનાથી ઓછા સમયના યુકેના વિઝિટ વિઝા માટે 15 પાઉન્ડનો વધુ ખર્ચ કરવો પડશે. આ ઉપરાંત સ્ટુડન્ટ વિઝા માટે 127 પાઉન્ડની વધુ ફી ચુકવવી પડશે.
હવેથી યુકેના છ મહિનાથી ઓછા સમયના વિઝિટ વિઝા જોઈતા હોય તો 115 પાઉન્ડની વિઝા ફી ભરવી પડશે. જ્યારે યુકેના સ્ટુડન્ટ વિઝાની ફી 490 પાઉન્ડ જેટલી રહેશે.
યુકેમાં હાલમાં સરકાર અને પબ્લિક સેક્ટરના સાહસો વચ્ચે વેતનના મામલે ખેંચતાણ ચાલે છે. અહીં નેશનલ હેલ્થ સર્વિસમાં કામ કરતા લોકો વારંવાર હડતાલની ધમકી આપે છે અને વધારે વેતનની માંગણી કરી રહ્યા છે. તેના કારણે યુકેના વડાપ્રધાન યુકે સુનક આવક વધારવા માટે નવા નવા રસ્તા શોધી રહ્યા છે. જુલાઈ મહિનામાં જ સુનકે કહ્યું હતું કે નેશનલ હેલ્થ સર્વિસમાં જે ખર્ચ આવે છે તેને સપોર્ટ કરવા માટે વિઝા અરજદારો દ્વારા ચુકવવામાં આવતા હેલ્થ સરચાર્જ અને ફીમાં વધારો કરવામાં આવશે.
વડાપ્રધાન સુનકે કહ્યું કે માઈગ્રન્ટ લોકો યુકે આવે ત્યારે વિઝા માટે જે ચાર્જ ચુકવે છે તેમાં વધારો કરવામાં આવશે. યુકેએ મોટા ભાગના વર્ક અને વિઝિટ વિઝાની ફીમાં 15 ટકાનો વધારો કરવા નિર્ણય લીધો છે. પ્રાયોરિટી વિઝા, સ્ટડી વિઝા અને સ્પોન્સરશિપના સર્ટિફિકેટમાં ઓછામાં ઓછા 20 ટકાનો વધારો કરવામાં આવશે.
હોમ ઓફિસે આ ફી વધારાને યોગ્ય ગણાવીને કહ્યું હતું કે ઇમિગ્રેશન અને નેશનાલિટી સિસ્ટમ ચલાવવા માટે ફીની આવકમાં વધારાથી ઘણો ફાયદો થશે. ફી નક્કી કરતી વખતે ઘણી બાબતો વિચારવામાં આવે છે, જેથી યુકેના કરદાતાઓ પર ઓછો ટેક્સ બોજ આવે. હવે જે ફી વધારવામાં આવી છે તે અલગ અલગ કેટેગરીમાં લાગુ થશે. તેમાં હેલ્થ અને કેર વિઝા, બ્રિટિશ સિટિઝનશિપ માટે એપ્લિકેશન અને છ મહિના, બે વર્ષ, પાંચ વર્ષ અને દશ વર્ષના વિઝિટ વિઝા માટેની ફીનો સમાવેશ થાય છે.