અમેરિકામાં સૌથી મોટા એન્ટીટ્રસ્ટ ટ્રાયલના પ્રારંભમા ન્યાય વિભાગે આરોપ મૂક્યો હતો કે ગૂગલ ઇન્ટરનેટ સર્ચ માર્કેટમાં હરીફોને હટાવવા અને ઇનોવેશનને ખતમ કરવા તેના પ્રભુત્વનો દુરુપયોગ કરે છે અને પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે વર્ષે 10 બિલિયન ડોલરની ચુકવણી કરે છે.
જસ્ટિસ ડિપાર્ટમેન્ટના મુખ્ય લિટીગેટર કેનેથ ડિન્ટ્ઝરે જણાવ્યું હતું કે, “આ કેસ ઇન્ટરનેટના ભાવિ અંગેનો છે. ઉપરાંત, ગૂગલને ભવિષ્યમાં ક્યારેય અસરકારક સ્પર્ધાનો સામનો કરવો પડશે કે નહીં તેનો નિર્ણય પણ આ કેસ કરશે.” આગામી દસ સપ્તાહમાં સરકારના વકીલો અને વિવિધ રાજ્યોના એટર્ની જનરલ એવું પુરવાર કરવાનો પ્રયાસ કરશે કે ગૂગલે ઘણા સ્થળ અને ડિવાઇસમાં ડિફોલ્ટ પસંદગી તરીકે તેના સર્ચ એન્જિનને રાખી બજાર પર પ્રભુત્વનો દુરુપયોગ કર્યો છે.
અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ અમિત મહેતા આ કેસમાં આગામી વર્ષની શરૂઆતમાં ચુકાદો આપે તેવી શક્યતા છે. તે ગૂગલ દ્વારા કાયદાનું ઉલ્લંઘન થયું હોવાનો નિર્ણય જાહેર કરશે તો કંપની પર વધુ એક કેસ ચાલશે. જેમાં ગૂગલનું પ્રભુત્વ અટકાવવાના પગલાં અંગે નિર્ણય લેવાશે.
ઉલ્લેખનીય છે કે, લગભગ ત્રણ વર્ષ પહેલાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટે પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં ગૂગલ સામે એન્ટિટ્રસ્ટ કેસ ફાઇલ કર્યો હતો. જેમાં આરોપ મુકાયો હતો કે, કંપનીએ ઇન્ટરનેટ સર્ચ માર્કેટમાં તેના પ્રભુત્વનો દુરુપયોગ કરી હરીફો સામે ગેરવાજબી લાભ મેળવ્યો છે. સરકારી વકીલોએ આરોપ મૂક્યો હતો કે, આઇફોન તેમજ એપલના સફારી અને મોઝિલાના ફાયરફોક્સ જેવા વેબ બ્રાઉઝર્સ પર ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે જળવાઈ રહેવા કંપની દર વર્ષે અબજો ડોલર ચૂકવે છે. ડિંટ્ઝરે જણાવ્યું હતું કે, “ગૂગલ આવા પ્રભુત્વ માટે દર વર્ષે ૧૦ અબજ ડોલરથી વધુ રકમ ચૂકવે છે.
કેસમાં ગૂગલ અને પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્ક.ના ટોચના એક્ઝિક્યુટિવ્સ તેમજ અન્ય અગ્રણી ટેક્નોલોજી કંપનીઓના અધિકારીઓની જુબાની લેવાશે. જેમાં આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇ, પણ સામેલ છે. કોર્ટના દસ્તાવેજ પ્રમાણે એપલના ટોચના એક્ઝિક્યુટિવ એડી ક્યુને પણ જુબાની માટે બોલાવાય તેવી શક્યતા છે.