(ANI Photo)

ભારતીય મૂળના અને સિંગાપોરમાં જન્મેલા અર્થશાસ્ત્રી થર્મન શણમુગરત્નમે ગુરુવાર, 14 સપ્ટેમ્બરે સિંગાપોરના નવમા પ્રેસિડન્ટ તરીકે શપથ લીધા હતાં. પહેલી સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 66 વર્ષના થર્મનને કુલ 70 ટકાથી વધારે મત મળ્યા હતાં. ચૂંટણીમાં 24.80 લાખ વોટ પડ્યાં હતાં, જેમાંથી થર્મન શણમુગરત્નમને 17.46 લાખ વોટ મળ્યા હતા. પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ચાઈનીઝ મૂળના હરીફો કોક સોંગ ને તાન કિન લિયાન પણ સ્પર્ધામાં હતા. કોક સોંગને 15.72 ટકા અને તાન કિન લિયાનને 13.88 ટકા મત મળ્યા હતાં સિંગાપોરમાં વસતા વિદેશીઓએ પણ મોટા ભાગે થર્મને મત આપ્યા હતા. થર્મનને વિદેશીઓના 76 ટકા મત મળ્યાં હતાં જ્યારે તેમના હરીફોને 8 ટકાથી 16 ટકા વચ્ચે મત મળ્યાં હતાં.

થર્મન શણમુગરત્નમનો જન્મ 25 ફેબ્રુઆરી 1957ના રોજ થયો હતો. તેઓ સિંગાપોરમાં જ જન્મ્યા હતાં અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી ઈકોનોમિક્સમાં બેચરલ ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી. આ પછી તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી મેળવી હતી. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી પણ ગયા હતાં અને ત્યાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. તેઓ મૂળભૂત રીતે તમિળ પરિવારમાંથી આવે છે અને ભારત ઉપરાંત તેમના વડવાઓ શ્રીલંકામાં પણ છે.

સિંગાપોરમાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલી વ્યક્તિ 6 વર્ષ માટે હોદ્દો ભોગવે છે. સિંગાપોરમાં મોટા ભાગની વસતી ચાઈનીઝ મૂળની છે. પરંતુ થર્મન શણમુગરત્નમે અહીં જે કામ કર્યું છે તેના કારણે મોટા ભાગના લોકો તેમની તરફેણમાં છે.

થર્મન પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા તે અગાઉ 2019થી 2023 વચ્ચે સિનિયર પ્રધાન તરીકે કામ કરતા હતા. તેઓ 2015થી 2023 વચ્ચે સામાજિક બાબતોના પ્રધાન હતાં. તેમણે મે 2011થી મે 2019 વચ્ચે સિંગાપોરના ડેપ્યુટી વડાપ્રધાન તરીકે પણ સેવા આપી હતી. તેઓ ઈકોનોમિક્સ ઓફ વોટરના ગ્લોબલ કમિશનના સહ-અધ્યક્ષ છે. થર્મન વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં બોર્ડ ઓફ ટ્રસ્ટીના સભ્ય છે. તેઓ યુએનના હાઈ લેવલ એડવાઈઝરી બોર્ડમાં સભ્યપદ પણ સંભાળે છે.

ભારતીય મૂળના લોકો વિદેશમાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી રહ્યા છે અને વડાપ્રધાન અથવા પ્રેસિડન્ટના હોદ્દા પર પણ ભારતીયો જોવા મળે છે. યુકેના વડાપ્રધાન ઋષિ સુનક ભારતીય મૂળના છે.

LEAVE A REPLY