ઊંચા વ્યાજના દરોને કારણે પ્રોપર્ટી ક્ષેત્રમાં મંદી પ્રવર્તી રહી છે ત્યારે યુકેમાં નાણાકીય કટોકટી પછી યુકેના ઘરની કિંમતો સૌથી ઝડપી દરે ઘટી રહી છે.
હેલિફેક્સે કહ્યું હતું કે ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે સરેરાશ મિલકતની કિંમત 4.6 ટકા ઘટી છે, જે ગયા વર્ષે સમરમાં જોવા મળેલી વિક્રમરૂપ ઊંચી સપાટીથી નીચે છે અને વર્ષ 2009 પછી ઘરની કિંમતોમાં વાર્ષિક ધોરણે થયેલો સૌથી મોટો ઘટાડો છે.
યુકેના સરેરાશ ઘરની કિંમત £279,569 થઈ છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ £14,000 ઘટી છે. અર્થશાસ્ત્રીઓએ મકાનોની કિંમતમાં 3.45 ટકાના વાર્ષિક ઘટાડાની આગાહી કરી હતી. સાઉધર્ન ઈંગ્લેન્ડ અને વેલ્સમાં મિલકતની કિંમતોમાં સૌથી વધુ નીચે જવાનું જોવા મળી રહ્યું છે. નેશનવાઇડે ગયા અઠવાડિયે આપેલા અહેવાલ મુજબ ઓગસ્ટમાં યુકેના ઘરોના ભાવમાં 5.3 ટકાનો ઘટાડો થયો છે, જે 14 વર્ષમાં સૌથી ઝડપી વાર્ષિક ઘટાડો છે.
બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઈલીએ જણાવ્યું હતું કે વ્યાજ દરો કદાચ સાયકલની ટોચની નજીક છે અને આગાહી કરી હતી કે આ વર્ષે ફુગાવામાં વધુ ઘટાડો થશે.