ભૂતપૂર્વ લેબર લીડર જેરેમી કોર્બીનની લંડનના મેયરની રેસ માટે જો સાદિક ખાન સામે આગામી વર્ષે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે તો કન્ઝર્વેટિવ ઉમેદવાર સુસાન હોલની જીત થવાની શક્યતાઓ વધી જશે. ટાઇમ્સ રેડિયો માટેના સર્વેમાં સુસાન હોલને 30 ટકા, સાદિક ખાનને 25 ટકા અને જેરેમી કોર્બીનને 15 ટકા મત મળશે એમ કહેવાયું છે.
ઇંગ્લેન્ડના મેયરને ચૂંટવા માટે ઉપયોગમાં લેવાતી ચૂંટણી પ્રણાલીમાં ફેરફારનો અર્થ એ છે કે સુસાન હોલ બહુમત નહિં મેળવે તો પણ આપમેળે જીતી જશે. અગાઉ લંડનના મેયરની ચૂંટણીઓ બે રાઉન્ડમાં યોજાતી હતી, જેમાં પ્રથમ અને બીજા સ્થાને રહેલા ઉમેદવારોને બીજી પસંદગીના મતો ફરીથી ફાળવવામાં આવતા હતા. 2024ની ચૂંટણી ફર્સ્ટ-પાસ્ટ-ધ-પોસ્ટ ધોરણે લડવામાં આવશે.
આગામી સામાન્ય ચૂંટણીમાં ઇસ્લિંગ્ટન નોર્થની સંસદીય સીટ પર લેબર તરફથી ઊભા રહેવા માટે પ્રતિબંધિત કોર્બિનને મેયરપદની ચૂંટણીમાં ભાગ લેવા તેમના સમર્થકોએ પ્રોત્સાહિત કર્યા છે પરંતુ લંડન-વ્યાપી ઝુંબેશ માટે ભંડોળ પૂરું પાડવાની તેમની ક્ષમતા પર શંકા રહે છે.
લંડનના લગભગ 43 ટકા મતદારો માને છે કે કોર્બીને મેયરપદ માટે ઊભા રહેવું જોઈએ અને 37 ટકા લોકો કહે છે કે તે એક સારા મેયર બનશે. પોલસ્ટરે જૂનમાં લંડનમાં છેલ્લે સર્વે કર્યો ત્યારથી મેયરનું એપ્રુવલ રેટિંગ 22 ટકાથી ઘટીને 5 ટકા થયું છે. તેની પાછળ અલ્ટ્રા-લો એમિશન ઝોન (Ulez) નું આઉટર લંડનમાં વિસ્તરણ ઘણે અંશે જવાબદાર છે.