ઇપ્સોસ અને બ્રિટિશ ફ્યુચરના ઇમિગ્રેશન એટીટ્યુડ ટ્રેકરના સર્વેમાં જાણવા મળ્યું છે કે ઇમિગ્રેશન બાબતે સરકાર સામેનો જાહેર અસંતોષ ચરમસીમાએ છે. 66 ટકા લોકો સરકાર જે રીતે ઇમિગ્રેશન બાબતે વ્યવહાર કરી રહી છે તેનાથી અસંતુષ્ટ છે જ્યારે માત્ર 12 ટકા લોકો સરકારથી સંતુષ્ટ છે.
ઈમિગ્રેશન બાબતે કન્ઝર્વેટિવ પક્ષના સમર્થકોમાંથી 22 ટકા લોકો સરકારથી સંતુષ્ટ છે પણ 56 ટકા અસંતુષ્ટ છે. તેમાં પણ 26 ટકા ‘ખૂબ જ અસંતુષ્ટ’ છે. 73 ટકા લેબર સમર્થકો આ બાબતે અસંતુષ્ટ છે અને 8 ટકા સંતુષ્ટ છે. સરકાર પ્રત્યેના અસંતોષનું મુખ્ય કારણ ચેનલ ક્રોસિંગને રોકવામાં સરકારની નિષ્ફળતા છે.
નવા ટ્રેકર સર્વેમાં 48 ટકા લોકો હવે ઇમિગ્રેશન ઘટાડવાનું સમર્થન કરે છે જે આંકડો 2022માં 42 ટકાથી વધુનો હતો. 44 ટકા લોકો સમાન ઇમીગ્રેશન પસંદ કરે છે. 43 ટકા લોકો માને છે કે ઈમિગ્રેશનની બ્રિટન પર સકારાત્મક અસર પડી છે પરંતુ 37 ટકા લોકોને લાગે છે કે તેની અસર નકારાત્મક રહી છે. 67 ટકા કન્ઝર્વેટિવ અને 38 ટકા લેબર સમર્થકો ઇમિગ્રેશન ઘટાડવાની તરફેણ કરે છે. 56 ટકા લેબર અને 30 ટકા કન્ઝર્વેટિવ્સ સમર્થકો કહે છે કે ઇમિગ્રેશનની સંખ્યા વધવી જોઈએ.
બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર સુંદર કાટવાલાએ કહ્યું હતું કે “ખાસ કરીને એસાયલમ અને નાની બોટમાં આવતા લોકો બાબતનો ઇમિગ્રેશન પ્રત્યેનો સરકારનો અભિગમ દરેકને નિરાશ કરે છે. ઉદારવાદીઓ માને છે કે તે અમાનવીય છે, જ્યારે કટ્ટરવાદીઓ માને છે કે તેઓ આપેલું વચન પૂરૂ કરી શક્યા નથી. બ્રિટન સામાન્ય ચૂંટણી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આપણે ઇમિગ્રેશન ચર્ચાની અપેક્ષા રાખવી જોઈએ.’’