ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે ગુજરાત વિધાનસભાના નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વિધાનસભા ગૃહને પેપરલેસ બનાવવાનો છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ ડિજિટલ પ્રોજેક્ટ્સથી વિધાનસભાની કામગીરીમાં પારદર્શિતા આવશે.
રાષ્ટ્રપતિ મુર્મુએ રાજ્ય વિધાનસભાને પણ સંબોધન કર્યું હતું. આની સાથે ચાર દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો હતો.રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે NeVA એ એક પ્રગતિશીલ પરિવર્તન છે જે ગુજરાત વિધાનસભાના કામકાજમાં પારદર્શિતા લાવશે અને ગૃહના સભ્યોને અન્ય એસેમ્બલીઓની શ્રેષ્ઠ પ્રથાઓ સુધી પહોંચવામાં પણ મદદ કરશે. સોલાર એલાયન્સ પછી, તાજેતરમાં પૂર્ણ થયેલ G-20 સમિટમાં ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની સ્થાપના એ પર્યાવરણ સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે એક મહત્વપૂર્ણ પગલું છે,
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિ મુર્મુને પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા અને વિધાનસભામાં સંબોધન કરવા આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ સંસદીય પ્રધાન ઋષિકેશ પટેલ વિધાનસભા ડેસ્ક પર હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ગૃહમાં હાજર રહ્યા હતા.
ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના સભ્યો, અગ્રણી ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રદેશના ભાજપના પદાધિકારીઓ અને જીવનના વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સહિત વિવિધ પ્રેક્ષકોની હાજરીમાં યોજાયેલી આ ઇવેન્ટમાં રાજ્યની તકનીકી પ્રગતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. વિધાનસભા ગૃહની તમામ બેઠકો પર ટેબલેટ લગાવવામાં આવ્યાં છે.