અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના મેયરની વરણી થયા પછી મંગળવારે, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરના નવા મેયરની જાહેરાત કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે ભાજપના દક્ષેશ માવાણીના નામની જાહેરાત થઈ હતી, જ્યારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે તરીકે રાજન પટેલ, ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્ર પાટીલની નિયુક્તિ થઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે આ ચારેય મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે.
સુરત મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક પહેલા, ભાજપે જાહેરાત કરી હતી કે તેને આગામી અઢી વર્ષ માટે મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે અનુક્રમે માવાણી અને નરેન્દ્ર પાટીલની પસંદગી કરી છે. 120 બેઠકો ધરાવતી સુરત મહાનગરપાલિકામાં ભાજપ પાસે 93 કોર્પોરેટરો છે, જ્યારે AAP 27 સાથે એકમાત્ર વિપક્ષી પાર્ટી છે. 2021માં ચૂંટણી પછી AAPના 12 કોર્પોરેટરો પક્ષ બદલીને બે વર્ષમાં ભાજપમાં જોડાયા હતા.
નયના પેઢડિયા રાજકોટના મેયર તરીકે ચૂંટાયા હતા, જ્યારે નરેન્દ્રસિંહ જાડેજા ડેપ્યુટી મેયર બન્યા હતા. રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની નિમણૂક કરવામાં આવી હતી. ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ અને ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખના નામ પર મહોર લાગી હતી. જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસૂર્યા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત થઇ હતી. મહાનગરપાલિકામાં સામાન્ય રીતે મેયરની ટર્મ અઢી વર્ષની હોય છે અને અઢી વર્ષ પછી નવા મેયરની ચૂંટણી થતી હોય છે.