અમેરિકામાં 9/11 ત્રાસવાદી હુમલા પછી આરબ, મુસ્લિમ, દક્ષિણ એશિયાઈ અને શીખ સમુદાયો વિરુદ્ધની નફરત, ઝેનોફોબિયા અને વંશવાદની નિંદા કરવા માટે પ્રતિનિધિગૃહમાં શનિવારે એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસવુમેન પ્રેમિલા જયપાલ સહિત સાંસદોના એક જૂથે આ ઠરાવ રજૂ કર્યો હતો.
અમેરિકામાં આરબ, મુસ્લિમ, મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયાઈ અને શીખ સમુદાયોએ લાંબા સમયથી ભેદભાવ અને હિંસાનો સામનો કરી રહ્યાં છે, જોકે આતંકી હુમલા પછી તેમાં વધારો થયો છે. આ પછી પછી મધ્યપૂર્વના અને દક્ષિણ એશિયાના મૂળના લોકો સામે ભેદભાવ અને તિરસ્કારની આશરે 945 ઘટના બની હતી.
9/11ના હુમલાની 22મી વરસીના બે દિવસ પહેલા પ્રેમિલા જયપાલ ઉપરાંત ઇલ્હાન ઓમર, રશીદા તલિબ, જુડી ચુ અને આન્દ્રે કાર્સન આ ઠરાવ રજૂ કર્યો હતો. જયપાલે જણાવ્યું હતું કે “11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરીકાની ધરતી પર અત્યાર સુધીના સૌથી ઘાતકી આતંકવાદી હુમલામાં હજારો લોકોના જીવ ગયા હતાં. આ હુમલામાં લગભગ 3,000 લોકોના જીવ ગયાં હતાં અને સંબંધિત બીમારીઓથી 4,500થી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતા. આ હુમલાથી આપણા દેશમાં મોટો બદલાવ આવ્યો છે અને અને તેની અસર હજુ પણ અનુભવાય છે. આ દુ:ખદ દિવસે આપણે આરબ, મુસ્લિમ, મધ્ય પૂર્વીય, દક્ષિણ એશિયાઈ અને શીખ સમુદાયોને આના પછી થયેલા સ્થાયી નુકસાન પર પણ ચિંતન કરવું જોઈએ.” તેમણે જણાવ્યું હતું કે “ઝેનોફોબિયા અને જાતિવાદને આ દેશમાં કોઈ સ્થાન નથી કોંગ્રેસ મહિલા ઓમરે કહ્યું કે 11 સપ્ટેમ્બર, 2001 એ અમેરિકન ઇતિહાસમાં આપત્તિજનક ઘટના હતી.
કોંગ્રેસવુમન ઓમરે જણાવ્યું હતું કે આ હુમલાઓના પગલે, સત્તામાં રહેલા લોકોએ સામૂહિક સર્વેલાન્સ, ત્રાસ, અનિશ્ચિત અટકાયત અને નાગરિક સ્વતંત્રતાના ઉલ્લંઘન દ્વારા આપણા લોકશાહી આદર્શો સાથે દગો કર્યો છે. સમગ્ર દેશમાં મુસ્લિમ, આરબ, શીખ અને દક્ષિણ એશિયન અમેરિકનોને શંકાની નજરે જોવામાં આવ્યા હતા, હેરાન કરવામાં આવ્યા હતા અને તેમની ઓળખના આધારે અટકાયત પણ કરવામાં આવી હતી.