જી-20ના સમાપન સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ​​બ્રાઝિલના પ્રેસિડન્ટ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને જી-20નું અધ્યક્ષ પદ સોંપ્યું હતું. ANI PHOTO

નવી દિલ્હીમાં G20 સમિટ રવિવારે સમાપ્ત થઈ હતી. ભારતે બ્રાઝિલને જી-20નું પ્રમુખપદ સોંપ્યું હતું. બીજી તરફ અમેરિકા અને રશિયા બંનેએ સર્વસંમતિ સાધવા માટે ભારતની પ્રશંસા કરી હતી.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરાયેલ નીતિ સૂચનો અને ધ્યેયો પર પ્રગતિની સમીક્ષા કરવા માટે જૂથના નેતાઓને નવેમ્બરમાં વર્ચ્યુઅલ બેઠક યોજવા જણાવ્યું હતું.તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પ્રગતિને કેવી રીતે ઝડપી બનાવી શકાય તે જોવા માટે જે સૂચનો આપવામાં આવ્યા છે તે જોવાની જવાબદારી આપણી છે.”

રશિયન પ્રતિનિધિમંડળના વડા વિદેશ પ્રધાન સેર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે આ સમિટ ભારત તેમજ ગ્લોબલ સાઉથ અને વિશ્વના વિકાસશીલ દેશો માટે સફળ રહી છે. જર્મની અને બ્રિટને પણ ઠરાવની પ્રશંસા કરી હતી, પરંતુ યુક્રેને કહ્યું કે “તેમાં ગર્વ કરવા જેવું કંઈ નથી”. સમાપન સમારોહ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે ગઈકાલે અમે વન અર્થ એન્ડ વન ફેમિલી સેશનમાં વ્યાપક ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે મને સંતોષ છે કે આજે G-20 વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચરને લઈને આશાવાદી પ્રયાસો માટેનું પ્લેટફોર્મ બની ગયું છે. અહીં આપણે એવા ભવિષ્ય વિશે વાત કરી રહ્યા છીએ જેમાં આપણે ગ્લોબલ વિલેજથી આગળ વધીને ગ્લોબલ ફેમિલીને વાસ્તવિકતા બનતા જોઈશું. એક એવું ભવિષ્ય જેમાં માત્ર દેશોના હિત જ નહીં, હૃદય પણ જોડાયેલા હોય.

LEAVE A REPLY