ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગની ગેરહાજરીથી G20 લીડર્સ સમિટ પર અસર પડી છે કે નહીં તેવા સવાલના જવાબમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને જણાવ્યું હતું કે G20 સમીટમાં જિનપિંગ હોય તો સારું થયું હોત, પરંતુ તેમને ગેરહાજરીમાં પણ સમીટ સારી રીતે ચાલી રહી છે. બાઇડન તેમની સાથે રહેલા અમેરિકન મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યાં હતા.
જિનપિંગની ગેરહાજરી અંગે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે દરેક દેશે નક્કી કરવાનું છે કે તેઓ આવી સમીટમાં કયા સ્તરે પ્રતિનિધિત્વ કરવા માગે છે અને કોઈએ તેમાં વધુ પડતા અર્થ કાઢવા જોઇએ નહીં. વધુ મહત્ત્વનું તે છે કે તે દેશે કેવું વલણ લીધું છે તથા વિચારવિમર્શ અને નિર્ણયોમાં કેટલું યોગદાન આપ્યું છે. જયશંકરે કહ્યું હતું કે ચીને G20 સમીટના વિવિધ નિર્ણયોમાં ખૂબ જ સમર્થન આપ્યું છે.