નવી દિલ્હીમાં શનિવારથી બે દિવસીય જી20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારથી જ આ સમિટ માટે દિલ્હીમાં દેશ-વિદેશોનો મહેમાનોનું આગમન શરૂ થઇ ગયું હતું. પ્રગતિ મેદાનમાં આ ભારત મંડપમ ખાતેની નટરાજની વિશાળ પ્રતિમા સૌનું ધ્યાન ખેંચી રહી હતી. અષ્ટધાતુમાંથી બનેલી નટરાજની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા 18 ટન વજનની અને 27 ફૂટ ઉંચી છે. આ સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે આ જી20 સમિટ શું છે, તેનું મહત્ત્વ શું અને તેનો હેતુ શું છે અને ભારતને શું ફાયદો થશે?

જી20 સમિટએ 20 દેશોનો સમૂહ છે કે જેમાં વિશ્વની 19 સૌથી મોટા અર્થતંત્રો અને યુરોપિયન યુનિયન દેશો વાર્ષિક આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન કરે છે. આ સમિટ એ વૈશ્વિક આર્થિક નીતિ, નાણાકીય સ્થિરતા અને વિશ્વ સામેના અન્ય નિર્ણાયક મુદ્દાઓની ચર્ચા અને સંકલન માટેનું એક મંચ છે. જે વિશ્વના જીડીપીના અંદાજે 85 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. જી20 યુનાઇટેડ નેશન્સ, વિશ્વ આરોગ્ય સંસ્થા, વિશ્વ બેંક અને IMF જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ઉપરાંત બાંગ્લાદેશ, સિંગાપોર, સ્પેન અને નાઇજીરીયા સહિતના બિન-સભ્ય દેશોને પણ જોડાવા આમંત્રે છે.

જી20 દેશોમાં ભારત ઉપરાંત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ચીન, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, સાઉથ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસ અને યુરોપિયન યુનિયન (EU)નો સમાવેશ થાય છે. હવે તેમાં આફ્રિકન યુનિયનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતમાં આયોજિત આ સમિટમાં 20 સભ્ય દેશો, 9 મહેમાન દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંગઠનોના અગ્રણીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

આ સમિટનો પ્રાથમિક હેતુ આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા અને ટકાઉ આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. સભ્ય દેશોના નેતાઓ આર્થિક નીતિઓ, નાણાકીય નિયમો, વેપાર અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને અસર કરતા અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એકસાથે આવે છે.

આ સમિટ આર્થિક બાબતો ઉપરાંત, જળવાયુ પરિવર્તન, સાયબર સુરક્ષા, જાહેર આરોગ્ય, ગરીબી નિવારણ અને વિકાસ જેવા વૈશ્વિક પડકારોને સંબોધિત કરે છે. આ સમિટ વિશ્વના નેતાઓને આ મુદ્દાઓ પર સાથે આવવા એક મંચ પૂરું પાડે છે.

જી20ની સ્થાપના 1999માં, એશિયન આર્થિક સંકટ પછી, મુખ્ય અર્થતંત્રોને તેમની આર્થિક નીતિઓનું સંકલન કરવા અને વૈશ્વિક નાણાકીય સ્થિરતાને જાળવવા એક મંચ પ્રદાન કરવા માટે કરવામાં આવી હતી. જર્મનીના બર્લિનમાં જી8 બેઠક દરમિયાન જી20ની રચના કરવામાં આવી હતી. 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન જ્યારે નેતાઓએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે સંકલિત આંતરરાષ્ટ્રીય પગલાંની જરૂરિયાતને માન્યતા આપી ત્યારે તેને મહત્ત્વ મળ્યું હતું. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં જી20 ગ્રુપની પ્રથમ સમિટ યોજાઈ હતી.

જી20 એ વૈશ્વિક કટોકટીઓના નિવારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઉદાહરણ તરીકે, 2008ની નાણાકીય મંદી દરમિયાન જી20ના નેતાઓ વૈશ્વિક અર્થતંત્રને સ્થિર કરવા અને આકરી આર્થિક મંદીને રોકવા માટે એકસાથેના સંકલિત પગલાં પર સંમત થયા હતા.

ત્યારપછી તાજેતરમાં કોવિડ-19 મહામારીએ દરેક મોટા દેશની અર્થવ્યવસ્થાને ખાસ કરીને વિકાસશીલ દેશોને નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ખાદ્યપદાર્થો અને ઊર્જાના ભાવમાં મોટો વધારો થયો છે. આ મામલે ફરીથી જી-20 સમિટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

ભારત આ વર્ષની જી20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. જેના પરિણામે વિશ્વમાં ભારતની ઓળખ એક વર્લ્ડ લીડર તરીકે થશે. જો તે જી20નું નેતૃત્વ કરતી વખતે વૈશ્વિક સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે તો ભારતની મહત્વાકાંક્ષાઓને મોટું પ્રોત્સાહન મળી શકે છે.

ભારતને શું ફાયદો

વિશ્વમાં ભારતની છબી મજબૂત થશે. ગ્લોબલ સાઉથના દેશોના મુદ્દા ઉઠાવીને ભારત તેનું નેતૃત્વ મેળવી શકે છે. સ્ટાર્ટઅપ ઇકોસીસ્ટમને મદદ મળશે.
સભ્ય દેશો સાથે વ્યાપારી સંબંધો મજબૂત બનશે.

જી20ને યુનાઈટેડ નેશન્સ તરફથી કોઈ કાયદાકીય સત્તા આપવામાં આવી નથી. આ ઉપરાંત તેના સભ્ય દેશોને UNના નિર્ણયને સ્વીકારવાની કોઈ કાયદાકીય ફરજ પાડવામાં આવતી નથી. મુખ્યત્વે જી20 સભ્ય દેશો વચ્ચે વિશ્વની અર્થવ્યવસ્થાને મજબૂત અને પ્રોત્સાહન આપવા પર ચર્ચા થાય છે. જેમાં શિક્ષણ, રોજગાર અને ખાદ્યપદાર્થોના ભાવને નિયંત્રિત કરવા જેવા મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવે છે. આ સમિટનું કોઈ મુખ્યાલય નથી. જી20ના પ્રેસિડેન્ટનો નિર્ણય ટ્રોઇકા દ્વારા લેવામાં આવે છે અને દરેક કોન્ફરન્સનું આયોજન વર્તમાન, ભૂતકાળ અને ભાવિ દેશના વડાઓના સમર્થનથી કરવામાં આવે છે. આ વખતે ટ્રોઇકામાં ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલ છે.

જી-20 બે ટ્રેક પર કામ કરે છે. એક છે ફાઇનાન્સ ટ્રેક અને બીજો શેરપા ટ્રેક.
ફાઇનાન્સ ટ્રેક એટલે જેમાં તમામ દેશોના નાણાં પ્રધાનો અને સેન્ટ્રલ બેંકના ગવર્નરો સાથે મળીને કામ કરે છે. શેરપા ટ્રેક એટલે જેમાં દરેક દેશના એક શેરપા અગ્રણી હોય છે. શેરપા ટ્રેકમાં ખેતી, વિકાસ, રોજગાર, શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, પ્રવાસન સહિતનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે. જી20ના નાણાકીય ટ્રેકમાં ફ્રેમવર્ક વર્કિંગ ગ્રૂપ, ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ આર્કિટેક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપ, નાણાકીય ક્ષેત્રના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY