સમગ્ર વિશ્વની જેની પર નજર હતી તે જી-20 સમિટની શરૂઆત શનિવારથી નવી દિલ્હીમાં થઇ હતી. વિશ્વના સૌથી મજબૂત 20 દેશોના પ્રતિનિધિઓ ભારત ગયા હતા. બે દિવસના આ શિખર સંમેલનમાં ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ અને રશિયન પ્રેસિડેન્ટ પુતિનની ગેરહાજરીની નોંધ લેવાઇ હતી. પરંતુ અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સહિતના દિગ્ગજો આવી પહોંચ્યા હતા. વિદેશી મહેમાનોને આવકારવા માટે સમગ્ર દિલ્હીને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું હતું. સમગ્ર રાજધાનીની સલામતી વ્યવસ્થા જડબેસલાક બનાવી દેવાઇ હતી. જુદા જુદા દેશોના વડાઓ આટલી મોટી સંખ્યામાં ભારત પહોંચ્યા હોય તેવું પ્રથમવાર બન્યું હતું.
વિવિધ દેશોના વડાની સાથે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, વર્લ્ડ બેન્ક અને ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી)ના વડાઓ પણ ત્યાં પહોંચ્યા હતા.
આ તમામનું વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યો દ્વારા તેમનું પરંપરાગત ડાન્સ પરફોર્મન્સથી સ્વાગત કરાયું હતું. આઇએમએફના એમડી અને ચેરમેન ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ તો એરપોર્ટ પર સંગીત પર નર્તકો સાથે ડાન્સ પણ કર્યો હતો.
આ સમિટ માટે પોલીસ, અર્ધલશ્કરી દળો અને અન્ય સંસ્થાઓની સમગ્ર આયોજન પર ચાંપતી નજર હતી. ભારતે પ્રથમવાર 19 દેશો અને એક યુરોપીયન કમિશનના સમિટનું આયોજન કરી રહ્યું છે. આમ વિશ્વના સૌથી વિકસિત અને ઊભરતા અર્થતંત્રોનું પ્રતિનિધિત્વ કરનાર ભારતમાં મહેમાન બન્યા હતા.
યુનાઇટેડ નેશનન્સના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટરેસે આશા વ્યક્ત કરી હતી કે જી-20 દેશોમાં ભારતની યજમાનીથી વિશ્વને જરૂરી પ્રગતિશીલ ફેરફારો હાંસલ કરવામાં મદદ મળશે. જોકે તેમણે દેશોમાં વધતા જતા અસંતોષ અને અવિશ્વાસની અસર અંગે ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘જી-20 થીમ તરીકે ભારતે સ્વીકારેલા ‘વન અર્થ, વન ફેમિલી એન્ડ વન ફ્યુચર’ની ઉક્તિ આજના વિશ્વ માટે અનુકૂળ છે.’
UNSCમાં ભારતના કાયમી સભ્યપદની તરફેણમાં અમેરિકા
અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને ભારત જઇને યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતના સ્થાયી સભ્યપદની ફરીથી તરફેણ કરી હતી. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે ઘનિષ્ઠ અને સ્થાયી ભાગીદારીને સમર્થન આપીને બાઇડેનનું ભારતમાં સ્વાગત કર્યું હતું. પીએમઓએ ટ્વિટ કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાઇડેનની ચર્ચાઓમાં અનેક મુદા સામેલ હતા. જેના કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જો બાઇડને બંને દેશો વચ્ચેની સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત કરવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ખડગેને પ્રેસિડેન્શિયલ ડિનરમાં આમંત્રણ નહીં
દિલ્હીમાં પ્રેસિડેન્ટ દ્રૌપદી મૂર્મૂ દ્વારા શનિવારે આયોજિત G20 વિશેષ રાત્રિભોજન માટે તમામ કેબિનેટ અને રાજ્ય પ્રધાનો, તમામ મુખ્યપ્રધાનો, ભારત સરકારના તમામ સચિવો અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વડાપ્રધાનો ડૉ.મનમોહન સિંહ અને એચડી દેવગૌડાને પણ ખાસ પ્રસંગે આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને આમંત્રણ આપવામાં આવ્યું નથી. પાર્ટીના નેતાઓ જણાવ્યું હતું કે ખડગેની બાદબાકી લોકશાહી પરનો હુમલો છે અને સરકારની માનસિકતા દર્શાવે છે.
દિલ્હીમાં ઉત્સવનો માહોલ…
જી 20 સમિટના કારણે સમગ્ર દિલ્હીમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ દેશો, સંસ્થાઓના વડાઓ અને વિદેશી પ્રતિનિધિઓ દિલ્હીમાં જે રસ્તાઓ પરથી પસાર થવાના હતા ત્યાંના તમામ વૃક્ષોને ભૂરા, લીલા અને નારંગીના શેડ્સ સાથે શણગારવામાં આવ્યા હતા. રસ્તા રોશનીથી ઝગમગી રહ્યા હતા.
જી-20ના દેશોની જીડીપી 85 ટકા
પહેલી ડિસેમ્બર, 2022ના રોજ જી-20ની યજમાની મળ્યા પછી ભારતે અંદાજે 200 મીટિંગ્સ યોજી છે. આ જી20 સભ્ય દેશો વૈશ્વિક જીડીપીના 85 ટકા હિસ્સો ધરાવે છે. વૈશ્વિક વેપારમાં તેમનો ફાળો 75 ટકાથી વધુ છે. આ દેશોની વિશ્વની વસતિ બે-તૃતીયાંશ જેટલી છે.
કયા કયા દેશના વડાઓનું આગમન
જો બાઈડેન : પ્રેસિડેન્ટ, અમેરિકા
ઋષિ સુનક : વડાપ્રધાન, બ્રિટન
જ્યોર્જિયા મેલોની : વડાપ્રધાન, ઈટાલી
એન્થની અલ્બાનીઝ : વડાપ્રધાન, ઓસ્ટ્રેલિયા
જસ્ટિન ટ્રુડુ : વડાપ્રધાન, કેનેડા
યૂન સુક યેઓલ : પ્રેસિડેન્ટ, સાઉથ કોરિયા
અબ્દેલ ફત્તાહ અલ સિસિ : રાષ્ટ્રપતિ, ઈજિપ્ત
અલ્બર્ટો ફર્નાન્ડિઝ : પ્રેસિડેન્ટ, આર્જેન્ટિના
પ્રવિંદ જુગનાથ : વડાપ્રધાન, મોરેશિયસ
લી કિઆંગ : વડાપ્રધાન, ચીન
ક્રિસ્ટિના જ્યોર્જિવા : વડા, આઈએમએફ
સર્ગેઈ લાવરોવ : વિદેશ પ્રધાન, રશિયા