વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી20 સમિટ શરૂ થતાં અગાઉ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નવી દિલ્હી જી-20 સમિટ માનવ-કેન્દ્રિત અને સર્વસમાવેશક વિકાસમાં નવો માર્ગ પ્રશસ્ત કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનું જી20નું પ્રમુખ પદ સર્વસમાવેશક, મહત્ત્વાકાંક્ષી, નિર્ણાયક અને કાર્યલક્ષી રહ્યું છે, જ્યાં વૈશ્વિક દક્ષિણની વિકાસલક્ષી ચિંતાઓને સક્રિયપણે વ્યક્ત કરવામાં આવી છે. વંચિતોની સેવા કરવાના ગાંધીજીના મિશનનું અનુકરણ કરવાના મહત્ત્વ પર ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે, ભારત પ્રગતિને આગળ વધારવા માટે માનવ-કેન્દ્રિત માર્ગ પર વધારે મહત્ત્વ આપે છે.
વડાપ્રધાને માહિતી આપી હતી કે, તેઓ ‘એક પૃથ્વી’, ‘એક પરિવાર’ અને ‘એક ભવિષ્ય’ પર સત્રોની અધ્યક્ષતા કરશે, જેમાં મજબૂત, સ્થાયી, સર્વસમાવેશક અને સંતુલિત વૃદ્ધિને આગળ વધારવા સહિત વિશ્વ સમુદાય માટે મુખ્ય ચિંતાના વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવશે. તેમણે મિત્રતા અને સહકારનાં જોડાણને વધારે ગાઢ બનાવવા કેટલાંક નેતાઓ અને પ્રતિનિધિમંડળનાં વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ભારતના પ્રેસિડેન્ટ 9 સપ્ટેમ્બરે વૈશ્વિક નેતાઓ માટે રાત્રિ ભોજનનું આયોજન કરશે. આ નેતાઓ 10 સપ્ટેમ્બરે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. તે જ દિવસે સમાપન સમારંભમાં જી20 લીડર્સ સ્વસ્થ ‘એક પૃથ્વી’ માટે ‘એક પરિવાર’ જેવા સાતત્યપૂર્ણ અને સમાન ‘એક ભવિષ્ય’ માટે તેમના સંયુક્ત વિચારોનું આદાન-પ્રદાન કરશે.