વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર ચીનમાં ગંભીર આર્થિક નરમાઇથી વૈશ્વિક વૃદ્ધિ સામે ચિંતા ઊભી થઈ રહી છે ત્યારે અમેરિકાના નાણાપ્રધાન જેનેટ યેલેને જણાવ્યું હતું કે અમેરિકા ચીનના પડકારો પર “કાળજીપૂર્વક” નજર રાખી રહ્યું છે. એશિયાના આ દિગ્ગજ અર્થતંત્રમાં મુશ્કેલીથી ઘણા દેશો ચિંતિત છે. યુરોપમાં મંદીનું જોખમ અને બીજા ઘણા અગ્રણી અર્થતંત્રમાં ઊંચા ફુગાવાને કારણે ચીનની પ્રોડક્ટ્સની માગમાં તીવ્ર ઘટાડો થયો છે.
નવી દિલ્હીમાં બે દિવસીય G-20 સમિટ પહેલા યેલેને પત્રકારોને જણાવ્યું હતું કે “ચીન ટૂંકા અને લાંબા ગાળાના વૈશ્વિક પડકારો અને આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે, જેની અમે કાળજીપૂર્વક દેખરેખ રાખીએ છીએ. આ પડકારોનો ઉકેલ લાવવા માટે ચીન પાસે નીતિવિષયક અવકાશ છે. ચીનના પડકારોમાં ગ્રાહક માગમાં ઘટાડો, પ્રોપર્ટી સેક્ટરના લાંબા ગાળાના મુદ્દા અને દેવાનો સમાવેશ થાય છે.
યેલેને ઉમેર્યું હતું કે ચીનનું લેબર ફોર્સ ઘટવા લાગ્યો છે.અહીં ઉલ્લેખનીય છે કે ભારત સાથેની સરહદ અને વેપાર સંબંધિત વિવાદ વચ્ચે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ જી-20 સમીટમાં હાજર રહેવાના નથી. જિનપિંગની ગેરહાજરીથી G20ને વૈશ્વિક આર્થિક સહકારનું મુખ્ય મંચ બનાવવાની તથા વિકાસશીલ દેશો માટે ફાઇનાન્સમાં વધારો કરવાના વોશિંગ્ટનના પ્રયાસોને અસર થશે. અમેરિકા ઇચ્છે છે કે બેઇજિંગના “બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવના વધુ સારા વિકલ્પ તરીકે વિકાસશીલ દેશો માટેના ફાઇનાન્સમાં વધારો કરવામાં આવે. વિશ્વ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની ધિરાણ ક્ષમતામાં લગભગ $200 બિલિયન વધારો કરવાની પણ યોજના છે.