કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે સંસદના વિશેષ સત્ર માટે સરકારે કોઇ એજન્ડા જારી કર્યો નથી, તેથી મણિપુર અને મોંઘવારી સહિત નવ મુદ્દાની આ સેશન દરમિયાન ચર્ચા કરવી જોઇએ.
બીજી તરફ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર સંસદના કામકાજનું રાજનીતિકરણ કરવાનો અને બિનજરૂરી વિવાદ ઊભો કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે તમામ સ્થાપિત પ્રક્રિયાઓનું પાલન કર્યા બાદ 18 સપ્ટેમ્બરથી સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું છે. રાજકીય પક્ષોની અગાઉથી સલાહ લેવામાં આવતી નથી. સોનિયા ગાંધીએ ઉઠાવેલા નવ મુદ્દાની મોનસૂન સત્રમાં ચર્ચા થઈ છે અને સરકારે તેનો જવાબ આપ્યો છે.
સોનિયા ગાંધીએ કેન્દ્ર-રાજ્ય સંબંધો, સાંપ્રદાયિક તણાવના કેસોમાં વધારો, ચીન દ્વારા સરહદના ઉલ્લંઘન અને અદાણી બિઝનેસ જૂથના ટ્રાન્ઝેક્શનોની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) રચના જેવા મુદ્દા પણ ઉઠાવ્યાં છે.
પત્રમાં તેમણે જણાવ્યું છે કે મારે ધ્યાન દોરવું જોઈએ કે અન્ય રાજકીય પક્ષો સાથે કોઈપણ પરામર્શ વિના આ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. અમારામાંથી કોઈને તેના એજન્ડા વિશે કોઈ ખ્યાલ નથી. અમને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે તમામ પાંચ દિવસ સરકારી કામકાજ માટે ફાળવવામાં આવ્યા છે. અમે ચોક્કસપણે વિશેષ સત્રમાં ભાગ લેવા માંગીએ છીએ, કારણ કે તે અમને જાહેર ચિંતા અને મહત્વના મુદ્દાઓને ઉઠાવવાની તક આપશે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશના જણાવ્યા અનુસાર આ પહેલીવાર છે જ્યારે ગૃહના કામકાજમાં કોઈ એજન્ડા નથી.
નવ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સમયની ફાળવણી કરવાની માગણી કરીને સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે મણિપુરના લોકો સતત વેદના અનુભવી રહ્યાં છે તથા રાજ્યમાં બંધારણીય માળખુ અને સામાજિક સમરસતાનું ભંગાળ થયું છે. તેમણે હરિયાણા જેવા કેટલાંક રાજ્યોમાં કોમી તંગદિલીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. ચીનનો મુદ્દો ઉઠાવતા તેમણે જણાવ્યું છે કે ચીન સતત ભારતના વિસ્તારો પર કબજો કરી રહ્યું છે તથા લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં સરહદો પરના આપણા સાર્વભૌમત્વ સામે પડકારો છે.
કોંગ્રેસ નેતાએ જાતિ આધારિત વસ્તી ગણતરીને તાકીદની જરૂરિયાત ગણાવીને જણાવ્યું છે કે કોંગ્રેસ અને કેટલાક અન્ય પક્ષો ઘણા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે.