ગુજરાતભરમાં ગુરુવારે, 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની રંગેમંચે ઉજવણી કરવામાં આવી હતી. શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે ભગવાનની કર્મભૂમિ દ્વારકા, ડાકોર સહિતના વિવિધ મંદિરમાં સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા. ઠેરઠેર દહીં હાંડીના કાર્યક્રમોમાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યોગાનુયોગ જન્માષ્ટમીને દિવસે અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો હતો.
દ્વારકામાં શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી દરમિયાન સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય બની હતી. ભાવિક ભક્તોએ દ્વારકા નગરીમાં દ્વારકાધીશના દર્શન કરવા લાઈન લગાવી હતી. કાળિયા ઠાકોરને શ્રૃંગાર ભોગ બાદ કેસરી રંગના વસ્ત્રો સાથે અનેક રત્નોજડિત આભૂષણો ધરાવવામાં આવ્યાં હતાં. જગત મંદિર ઉપરાંત આસપાસના વિસ્તારોને સુંદર અને આકર્ષક રોશની સાથે શણગારવામાં આવ્યા હતાં. 11:00 વાગ્યે શૃંગાર આરતી ત્યાર બાદ ગ્વાલ ભોગ અને 12.00 વાગ્યે ઠાકોરજીને રાજભોગ ચઢાવવામાં આવ્યો હતો. બપોરે 1:00 વાગ્યે મંદિરના દરવાજા બંધ કરાયા હતાં, જે સાંજે 5:00 વાગ્યે ફરી દર્શન માટે ખુલ્લા કરાયા હતા. ભગવાનને ઉત્થાપન ભોગ ધરાવવામાં આવ્યો હતો. ભગવાનને સંધ્યાભોગ ધરાવાયો હતો. 7.45 વાગ્યે ભગવાનની સંધ્યા આરતીનો ઉપસ્થિત હજારો ભાવિકો તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લાખો કૃષ્ણ ભકતોએ લાભ લીધો.
જન્માષ્ટમીના બે વિશેષ ભોગ ધરાવાય છે. જેમાં એક ભોગ જન્મ ઉત્સવ પહેલાં મહા ભોગ અને એક ભોગ જન્મ થાય પછી ઉત્સવ ભોગ ધરાવાશે.
દ્વારકામાં સદીઓથી શ્રીકૃષ્ણ ભગવાનના જીવનચરિત્રના મહત્વના દિવસો પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોના કથન મુજબ જીવનની યાત્રા ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન વગર અધુરી ગણાય છે. કદાચ એટલે જ દ્વારકાને મોક્ષપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી ઉજવવા માટે દેશના ખૂણે-ખુણેથી ભાવિકો દ્વારકા આવ્યા હતાં અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી. શ્રી કૃષ્ણનગરી દ્વારકામાં છેલ્લા બે દિવસથી ભાવિકોનો અવિરત પ્રવાહ શરૂ થઈ ગયો હતો. સાતમના દિવસે જ શહેરની તમામ હોટેલો, ધર્મશાળાઓ હાઉસફૂલ થઇ ગયા હતા.
સુરત શહેરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોલેજ કેમ્પસ, સ્કૂલોમાં પણ જન્માષ્ટમીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. શહેરના મવડી ચોક ખાતેથી કર્ણાટકના ભૂતપૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના નેતાઓ અને સાધુ-સંતોએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. મવડી ચોકથી શરૂ થયેલી શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી, જેનાં દર્શન કરવા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઊમટી પડ્યા હતા. શોભાયાત્રા પહેલાં ધર્મસભા પણ યોજાઈ હતી.