નેશનલ એર ટ્રાફિક સર્વિસીસ (NATS) ના ચીફ એક્ઝિક્યુટિવ માર્ટિન રોલ્ફે જણાવ્યું હતું કે ‘’યુકેના એર ટ્રાફિક કંટ્રોલમાં ગયા સપ્તાહે સર્જાયેલો વિક્ષેપ “ખોટા” ફ્લાઇટ ડેટાના કારણે થયો હતો અને તેના કારણે વિમાનોમાં બેસેલા અને એરપોર્ટ પર અટવાયેલા હજારો મુસાફરોને અસર થઇ હતી. તેને કારણે દેશની સેંકડો ફ્લાઇટ્સ રદ કરાઇ હતી.
તેમણે મુસાફરોને આશ્વાસન આપ્યું હતું કે સોમવાર બપોરથી તમામ NATS સિસ્ટમો “સામાન્ય રીતે” ચાલી રહી છે. અમે તપાસ કરી રહ્યા છીએ અને આ સમસ્યાને ઓળખી છે. યુકેની સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)એ જણાવ્યું હતું કે તે રિપોર્ટના તારણો જાહેર કરશે.
યુકેના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટે જણાવ્યું હતું કે તેણે બેકલોગને સાફ કરવામાં મદદ કરવા માટે તેના નિયમન હેઠળના તમામ યુકે એરપોર્ટ પર નાઇટ ફ્લાઇંગને મંજૂરી આપી હતી. જે સામાન્ય રીતે પ્રતિબંધિત છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના જણાવ્યા મુજબ સિસ્ટમની નિષ્ફળતાથી એરલાઈન્સને £100 મિલિયનનો ખર્ચ થવાનો અંદાજ છે.