સમાજના નબળા વર્ગો માટે અનામતની તરફેણ કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે બુધવારે જણાવ્યું હતું આપણા સમાજમાં ભેદભાવ છે અને જ્યાં સુધી અસમાનતા રહેશે ત્યાં સુધી અનામત ચાલુ રાખવી જોઇએ.
બુધવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું કે ‘અખંડ ભારત’ આજના યુવાનો વૃદ્ધ થાય તે પહેલાં વાસ્તવિકતા બની જશે, કારણ કે 1947માં ભારતથી અલગ થયેલા લોકો હવે અનુભવી રહ્યા છે કે તેઓએ ભૂલ કરી છે. યોગાનુયોગ અનામત પર ભાગવતનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે મરાઠા સમુદાયનું ક્વોટા માટેનું આંદોલન ફરી એકવાર ઉગ્ર બન્યું છે.
ભાગવતે જણાવ્યું હતું કે આપણે આપણા પોતાના સાથી માનવોને સમાજ વ્યવસ્થામાં પાછળ રાખ્યા હતાં. આપણે તેમની કાળજી લીધી ન હતી અને તે 2000 વર્ષ સુધી ચાલુ રહ્યું હતું. આપણે તેમને સમાનતા પ્રદાન ન કરીએ ત્યાં સુધી કેટલાક વિશેષ ઉપાયો હોવા જોઈએ અને અનામત આવો એક ઉપાય છે. તેથી આવા ભેદભાવ ચાલુ રહે ત્યાં સુધી અનામત ચાલી રાખવી જોઇએ. અમે આરએસએસમાં બંધારણમાં આપવામાં આવેલી અનામતોને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. તેમણે નોંધ્યું હતું કે ભલે આપણને ન દેખાય, પરંતુ સમાજમાં ભેદભાવ અસ્તિત્વમાં છે. અનામત “સન્માન આપવા” વિશે છે અને માત્ર નાણાકીય અથવા રાજકીય સમાનતાને સુનિશ્ચિત કરવા વિશે નથી.