Yui Mok/Pool via REUTERS/File Photo

ભારત અને યુકે વચ્ચે આગામી સપ્તાહોમાં થઇ રહેલા બમ્પર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને પગલે ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનક ભારતના હજારો વિદ્યાર્થીઓને વિઝા આપશે તેવા ભયના કારણે ટોરી પક્ષમાં તેમની સામે બળવો થયો છે. ગયા વર્ષે વિશ્વભરમાંથી કુલ 606,000 વિદ્યાર્થીઓ યુકે આભ્યાસ કરવા આવ્યા હતા.

યુકેના માલ સામાન પરનો ટેરિફ – વેરો ઘટાડવાના તથા યુકેના સર્વિસ સેક્ટરને ભારતના આકર્ષક બજારોમાં પ્રવેશ આપવાના બદલામાં પીએમ સુનક ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે તેવી શંકા છે.

શ્રી સુનક આગામી પખવાડિયે જી20 મીટિંગ માટે ભારત જનાર છે અને આગામી વર્ષે આવતી યુકેની ચૂંટણીઓ પહેલા ભારતના વડા પ્રધાન શ્રી મોદી સાથે વેપાર સોદો કરવાની આશા રાખે છે. પરંતુ ટોરીના રેડ વોલ અને ન્યૂ કન્ઝર્વેટિવ ગ્રૂપના સાંસદો પાછલા બારણે થનાર માઇગ્રન્ટ્સના વધુ એક વધારાથી ગુસ્સે થયા છે. હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન પણ આ વિચારથી નાખુશ હતા તેવો દાવો કરાઇ રહ્યો છે.

એક ટોરી સાંસદે ધ સનને કહ્યું હતું કે “સેંકડો વધુ ભારતીયો માટે વિઝા ઍક્સેસનો વિચાર એક ભયંકર વિચાર હશે અને મેં મારા વ્હીપને આ બાબતે કહ્યું છે. હજારોની સંખ્યામાં નેટ માઇગ્રેશન ઘટાડવાના અમારા વચનો માટે તે કોફીનમાં લગાવાતી અંતિમ ખીલી સમાન હશે.”

નંબર 10ના સ્ત્રોતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’આ ડીલ નજીકમાં થાય તેવી શક્યતાઓ નથી અને વધુ વિદ્યાર્થી વિઝાના કોઈપણ સૂચનો એક માત્ર અનુમાન છે. અમે ચાલુ વાટાઘાટો પર ટિપ્પણી કરી શકતા નથી અને આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ  હાંસલ કરવા માટે આપણી ઇમિગ્રેશન નીતિમાં ફેરફાર કરવાની કોઈ યોજના નથી. સરકાર નેટ માઇગ્રેશન ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે અને અર્થતંત્રના વિકાસની સરકારની પ્રાથમિકતાને પણ સમર્થન આપે છે. મે મહિનામાં અમે મોટાભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પરિવારના સભ્યોને યુકે લાવવાના અધિકારને દૂર કરીને માઇગ્રેશન ઘટાડવા માટે સખત કાર્યવાહી હાથ ધરી હતી.”

LEAVE A REPLY