શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા 30 ઓગસ્ટ 2023ના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે મંદિર દ્વારા શહેરીજનોને મુખ્ય સેવાઓ આપતા લંડન ફાયર બ્રિગેડ, લંડન એમ્બ્યુલન્સ, મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ, ઢિફેન્સ મિનીસ્ટ્રી, NHS અને રોયલ એરફોર્સમાંથી પધારેલા આદરણીય મહેમાનોનું સ્વાગત કરી તેમના સૈના કાંડા પર રક્ષા બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ હતી.
આ પ્રસંગે યોજાયેલ ખાસ સભામાં આદરણીય મહેમાનોએ ભગવાન સ્વામિનારાયણ અને સંતોની મૂર્તિઓ સામે દીપ પ્રગટાવ્યો હતો. આચાર્ય સ્વામીજી મહારાજે બ્રેન્ટ નોર્થના સાંસદ બેરી ગાર્ડિનર સહિત અધિકારીઓ અને અન્ય મહેમાનોના કાંડા પર પવિત્ર રાખડી બાંધી હતી અને ભગવાન તેમની સુરક્ષા કરે અને તેઓ સમુદાયની સુરક્ષા માટે ફરજો નિભાવવામાં સમર્થ બને તે માટે આશિર્વાદ આપ્યા હતા.
બ્રિટિશ આર્મી હેડક્વાર્ટરના માહિતી નિર્દેશક અને મુખ્ય માહિતી અધિકારી તરીકે નિયુક્ત કરાયેલા મુખ્ય અતિથિ મેજર જનરલ જોન કોલિયરે બ્રિટિશ આર્મીના મુખ્ય મૂલ્યો વિશે વાત કરી હતી. આર્મીની હિંમત, શિસ્ત, આદર, પ્રામાણિકતા, વફાદારી અને નિઃસ્વાર્થ પ્રતિબદ્ધતા સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ મૂલ્યો સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ માટે બ્રેન્ટ બરો કમાન્ડર, ડેન નોલ્સે પ્રસંગીક પ્રવચન કર્યું હતું.
મંદિર દ્વારા સમાજના રક્ષણમાં, આપણા સમુદાયોની સંભાળ રાખવા અને શાંતિ જાળવવામાં નિ:સ્વાર્થ અને બહાદુરીભરી ભૂમિકા ભજવવા બદલ તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરાયો હતો.