ડોનાલ્ડ ટ્રમ્પે 2011 થી 2021 વચ્ચે દર વર્ષે તેમની નેટવર્થમાં નિયમિત રીતે અબજો ડોલરનો બનાવટી વધારો દર્શાવ્યો હોવાનો આક્ષેપ ન્યૂયોર્કના એટર્ની જનરલે કર્યો હતો. ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ સામે ચાલી રહેલા $250 મિલિયનના સિવિલ દાવાના સમર્થનમાં કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં રાજ્યના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે દાવો કર્યો હતો કે ટ્રમ્પ અને તેમના કેટલાક સહયોગીઓએ બેંકો અને વીમા કંપનીઓ સમક્ષ “અતિશય ઉંચા આંકડા રજૂ કરી વધુ પડતી રકમની લોન અને વીમા સુરક્ષા વધુ લાભદાયક શરતો સાથે મેળવ્યા હતા.”
આ યોજનાના પરિણામે સેંકડો મિલિયન ડોલરની રકમ ખોટી રીતે મેળવી બચત પણ કરી અને નફો પણ કર્યો હોવાનો આક્ષેપ દસ્તાવેજોમાં કરાયો છે. 2024ની પ્રેસિડેન્ટપદની રેસમાં વર્તમાન રીપબ્લિકન અગ્રણી સામે જેમ્સનો આ કેસ ગયા વર્ષનો છે, જ્યારે તેણે ટ્રમ્પ, તેના કેટલાક બાળકો અને ટ્રમ્પ સંસ્થાના વ્યવસાય પર કર અને નાણાકીય છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો.
ટ્રમ્પ અને તેમના બાળકો પર પણ ટેક્સ ઘટાડવા માટે ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનની અમુક મિલકતો — જેમાં ગોલ્ફ ક્લબ, લક્ઝરી હોટેલ્સ અને અન્ય પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે, તેનું મૂલ્ય ઓછું દર્શાવવાનો આરોપ છે. 22મી સપ્ટેમ્બરે પ્રાથમિક સુનાવણી સાથે બીજી ઑક્ટોબરે ટ્રાયલ શરૂ થવાની છે, જોકે ડેમોક્રેટ જેમ્સ બુધવારે સબમિટ કરેલા દસ્તાવેજોના આધારે ટ્રાયલ પર જાય તે પહેલાં કોર્ટ કેસનો ઉકેલ લાવવા માગે છે.
તેઓનો આક્ષેપ છે કે ટ્રમ્પે 2011 થી 2021 વચ્ચે દર વર્ષે તેમની સંપત્તિ દર્શાવવામાં અતિરેક કર્યો હતો. આમાં ટ્રમ્પ પ્રેસિડન્ટ હતા તે વર્ષોનો પણ સમાવેશ થાય છે.
પ્રોસીક્યુટરની દલીલ હતી કે પ્રતિવાદીએ કારોબારી વ્યવહારો માટે અને બેન્કો તથા વીમા કંપનીઓ સાથે છેતરપિંડી આચરવા સંપત્તિના વધુ પડતા મૂલ્યો દર્શાવ્યા છે તેના પુરાવા જોતાં કોર્ટને ટ્રાયલની કોઈ જરૂરિયાત નથી.
જાન્યુઆરીમાં, ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનને કર અને નાણાકીય છેતરપિંડીના કેસમાં ન્યૂયોર્કના ન્યાયાધીશ દ્વારા $1.6 મિલિયનનો દંડ ફરમાવાયો હતો. ટ્રમ્પ સામે જેમ્સનો સિવિલ કેસ ટ્રાયલમાં જાય તો ટ્રમ્પે સમગ્ર દેશમાં તેના પ્રેસિડેન્ટપદના અભિયાન દરમિયાન વધુ એક કેસનો સામનો કરવો પડશે.