અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં હિન્દુ-અમેરિકન સમુદાયે આપેલા અનેક યોગદાનને ધ્યાનમાં રાખીને તેમની કદર કરતા ઓક્ટોબર મહિનાને સત્તાવાર રીતે “હિન્દુ હેરિટેજ મંથ” જાહેર કરાયો છે.
ગવર્નર બ્રાયન કેમ્પે હિન્દુ હેરિટેજ મંથ અંગેની એક અધિકૃત જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારતની વૈવિધ્યપૂર્ણ આદ્યાત્મિક પરંપરાઓ અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને હિન્દુ વારસાની ઉજવણી કરાશે. 23 ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવાયું હતું કે, “ધબકતા હિન્દુ અમેરિકન સમુદાયે તેના નાગરિકોના જીવનને સમૃદ્ધ કરી જ્યોર્જિયા રાજ્યમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.”
અમેરિકા સ્થિત હિન્દુ હિમાયતી ગ્રુપ CoHNA (કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા) દ્વારા આ પહેલનું સ્વાગત કરવામાં આવ્યું છે અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર હિન્દુ સમુદાયની નોંધ લેવા બદલ ગવર્નર કેમ્પ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઈ છે. આ વર્ષની શરૂઆતમાં, જ્યોર્જિયા એસેમ્બલીએ હિન્દુફોબિયાને વખોડતો ઠરાવ પસાર કર્યો હતો, તે આ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરનાર પ્રથમ અમેરિકન રાજ્ય બન્યું હતું.
CoHnaએ જ્યોર્જિયા દ્વારા આપવામાં આવેલી માન્યતાને આવકારી છે, જોકે, તેણે તાજેતરમાં કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલી દ્વારા પસાર કરાયેલ જાતિ ભેદભાવ વિરોધી બિલ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન મુજબ, હિન્દુ હેરિટેજ મંથ (HHM) એ એક વૈશ્વિક કાર્યવાહી છે જે હિન્દુ ધર્મને પરંપરા તરીકે અને માનવ સમાજમાં તેના યોગદાનને ઉજાગર કરે છે. ભારતમાં ઓક્ટોબર મહત્ત્વનો મહિનો છે, કારણ કે આ મહિનામાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો, અને મોટેભાગે આ મહિનામાં દિવાળી અને નવરાત્રિ જેવા મુખ્ય હિન્દુ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં હિન્દુત્વ એ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે, જેમાં વિશ્વભરમાં એક બિલિયન લોકો છે, તેમાંથી અંદાજે ત્રીસ લાખ અમેરિકામાં વસે છે.