(Photo by STR/AFP via Getty Images)
બોલીવૂડમાં કાર્યરત અનેક કલાકારોનું તેમના ભાઇ-બહેન સાથેનું જોડાણ ખૂબ જ મજબૂત છે. તાજેતરમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી વખતે ઘણા અભિનેતા-અભિનેત્રીઓએ તેમના ભાઇ-બહેન સાથેના સંસ્મરણોને વાગોળ્યા.
અનુષ્કા શર્મા-કર્ણેશ શર્મા
અનુષ્કા શર્મા તેના ભાઈ કર્ણેશની ખૂબ નજીક છે. તેઓ પ્રોફેશનલી પણ એકબીજા સાથે ટીમ બનાવીને કામ કરે છે. તેમણે મળીને NH-10 જેવી સુપરહિટ ફિલ્મ બનાવી છે. રક્ષાબંધન અંગે પોતાના બાળપણની યાદગારી જણાવતા અનુષ્કાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘હું અને મારો ભાઈ નાના હતા ત્યારે મને જેટલો રાખડી બાંધવાનો ઉત્સાહ રહેતો હતો એટલો જ તે સેલિબ્રેશનથી દૂર ભાગતો હતો. હું હંમેશા તેની મોટી રાખડી બાંધવા ઈચ્છતી હતી પણ તેને રાખડી બાંધવાનું બિલકુલ પસંદ ન હોવાથી અંતે તે માંડમાંડ નાની રાખડી બાંધવા તૈયાર થતો હતો, જેને તે રક્ષાબંધનના બીજા જ દિવસે કાઢી નાખતો હતો. તે આજે મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને મારા દરેક નિર્ણયમાં મને સારો એવો સપોર્ટ  કરે છે. તે મારી સપોર્ટ સીસ્ટમ છે.’
પ્રિયંકા ચોપડા-સિદ્ધાર્થ ચોપડા
પ્રિયંકા ચોપડા અને તેના ભાઈ સિદ્ધાર્થ ચોપડા વચ્ચે સાત વર્ષનો તફાવત છે. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભાઈ સાથેના પોતાના સંબંધ અંગે વાત કરતા પ્રિયંકાએ જણાવ્યું હતું કે, ‘નાનપણથી અમારી વચ્ચે ખૂબ મજબૂત બોન્ડિંગ છે, નાનપણમાં હું તેના માટે વધારે પ્રોટેક્ટિવ હતી પણ જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ તે મારા માટે વધારે પ્રોટેક્ટિવ બનતો રહ્યો. તે હંમેશા પોતાના હાથે મને મારી ફેવરિટ વાનગીઓ બનાવીને ખવડાવે છે. આવો સમજદાર ભાઈ મળ્યો એ માટે હું મારી જાતને નસીબદાર સમજુ છું.’
એકતા કપૂર-તુષાર કપૂર
સામાન્ય રીતે ભાઈ-બહેનના સંબંધમાં ભાઈ આજીવન બહેનની રક્ષા કરવાની જવાબદારી નિભાવે છે, પરંતુ પીઢ અભિનેતા જિતેન્દ્રના પુત્ર-પુત્રી તુષાર કપૂર અને એકતાના કિસ્સામાં વાત અલગ છે. રક્ષબંધનના પ્રસંગે પોતાના બાળપણને વાગોળતા તુષાર કહે છે કે, ‘એકતા મોટી હોવાથી બાળપણથી જ મારા માટે પ્રોટેક્ટિવ છે. લોકોને લાગે છે કે, એકતા બહુ જ કઠોર હૃદયની છે પણ બહુ ઓછા લોકોને ખબર છે કે પરિવારની વાત આવે છે ત્યારે એકતા એકદમ કોમળ બની જાય છે. તે સતત મારું ધ્યાન રાખે છે.’
વિવેક ઓબેરોય-મેઘના ઓબેરોય
બોલીવૂડમાં વિવેક ઓબેરોય જાણીતો અભિનેતા છે, પણ તેની બહેન મેઘનાને બહુ ઓછા લોકો જાણે છે. રક્ષાબંધનના પર્વએ પોતાની બહેન સાથેના બોન્ડિંગની વાત કરતા વિવેક કહે છે કે, ‘મેઘના નાનપણથી જ બહુ ડાહી અને સમજદાર છે. તે મારી બેસ્ટ ફ્રેન્ડની સાથે સાથે બેસ્ટ સિસ્ટર પણ છે. અમે નાનાં હતાં ત્યારે તેણે મારા સીક્રેટ પોતાના સુધી જ રાખીને મને પપ્પાના મારથી બચાવ્યો છે. આજે પણ રક્ષાબંધન વેળાએ મને વિચાર આવે છે કે કાશ! અમે ફરીથી નાના બાળક બનીને નાનપણની મજા ફરીથી માણી શકીએ તો કેટલું સારું.’
ટાઈગર શ્રોફ-કૃષ્ણા શ્રોફ
પીઢ અભિનેતા જેકી શ્રોફનો પુત્ર ટાઇગર બહેન સાથેના બોન્ડિંગ અંગે જણાવે છે કે, ‘બાળપણમાં હું બહુ શરમાળ હતો જ્યારે મારી બહેન કૃષ્ણા ટોમબોય જેવી હતી. અમે એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતાં અને તે મારા કરતાં નાની હોવા છતાં આખી સ્કૂલ મને કૃષ્ણાના ભાઈ તરીકે ઓળખતી હતી. અમે કોલેજ સુધી સાથે જ ભણ્યા છીએ અને તેને સેલિબ્રેશનનો બહુ શોખ હોવાથી રક્ષાબંધનનો દરેક તહેવાર તેના ઉત્સાહને કારણે યાદગાર બની જાય છે.’

LEAVE A REPLY