ભારતની વન-ડે વર્લ્ડ કપ માટેની ટીમની જાહેરાત પસંદગીકારોએ મંગળવારે કરી હતી, જેમાં સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, ઈશાન કિશન અને કે. એલ. રાહુલનો સમાવેશ કરાયો છે, તો નવા ઉભરતા બેટર તિલક વર્માને તક નથી મળી. વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન માટે પણ અગાઉ મળેલી તકનો બરાબર લાભ નહીં લઈ શક્યાના કારણે નિરાશા જ રહી છે.
સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો પણ સમાવેશ નથી કરાયો. ટીમના સુકાનીપદે રોહિત શર્મા અને ઉપસુકાનીપદે હાર્દિક પંડ્યા રહેશે.
15 સભ્યોની ટીમમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ સ્પેશિયાલિસ્ટ બેટર્સ છે, તો કે. એલ. રાહુલ અને ઈશાન કિશન વિકેટકીપર બેટર તરીકે પસંદગી પામ્યા છે. હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાનો ઓલરાઉન્ડર્સ તથા શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલનો પણ તેમની બેટિંગ ક્ષમતાના આધારે સમાવેશ કરાયો છે. કુલદીપ યાદવ મુખ્ય સ્પિનર છે, તો જસપ્રિત બુમરાહ, મોહમદ શામી અને મોહમદ સિરાજનો મુખ્ય ફાસ્ટ બોલર્સ તરીકે સમાવેશ કરાયો છે.
ટીમ આ મુજબ છેઃ રોહિત શર્મા (સુકાની), હાર્દિક પંડ્યા (ઉપસુકાની), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કે. એલ. રાહુલ (વિકેટકીપર), ઈશાન કિસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમદ શમી અને મોહમ્મદ સિરાજ.