સમગ્ર વિશ્વના દેશોએ આજે “જીડીપી કેન્દ્રી અભિગમ” બદલીને “માનવ કેન્દ્રી અભિગમ” અપનાવવાની જરૂર છે અને તેમનું “સબ કા સાથ, સબ કા વિકાસ” મોડલ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે માર્ગદર્શક મંત્ર બની રહેવાની ક્ષમતા ધરાવે છે, એમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
આ સપ્તાહના અંતે ભારતની રાજધાની નવી દિલ્હીમાં જી-20 શિખર સંમેલનમાં તેઓ વિશ્વ નેતાઓના યજમાન બનવાના છે તેના ગણતરીના દિવસો અગાઉ નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસ સ્થાને ન્યૂજ એજન્સી પીટીઆઈને આપેલા એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કોઈપણ દેશની જીડીપીનું કદ ગમે તેટલું -મોટું હોય કે નાનુ – હોય, દરેક માનવીનો અવાજ મહત્ત્વનો છે.
વિશ્વના વિકસિત અને વિકાસશીલ દેશોના ગ્રુપ જી-20ના ભારતના અધ્યક્ષપદનું એક વર્ષ પુરૂ થવાનું છે ત્યારે શિખર સંમેલનના લગભગ એક સપ્તાહ અગાઉ મોદીએ પોતાના સત્તાવાર નિવાસે પીટીઆઈને આપેલા એક કલાક ઉપરાંતના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભારતના જી-20 અધ્યક્ષપદના ગાળામાં ઘણી સકારાત્મક અસરો નોંધાઈ છે અને એમાંથી કેટલીક તો મને ખૂબજ ગમતી બાબતો છે.
ભારતે ગયા વર્ષે નવેમ્બરમાં ઈન્ડોનેશિયા પાસેથી જી-20નું અધ્યક્ષપદ સંભાળ્યું હતું અને હવે આ પદ ડીસેમ્બરમાં બ્રાઝિલને હસ્તાંતરિત કરાશે. આ ઈન્ટરવ્યૂનો મુખ્ય વિષય તો જી-20 જ હતો, પણ વડાપ્રધાન મોદીએ ભારતની આર્થિક પ્રગતિ, વિશ્વ મંચ ઉપર તેના વધી રહેલા વર્ચસ્વ, સાયબર સીક્યુરીટી, દેવાની જાળ, સંયુક્ત રાષ્ટ્રોના માળખામાં સુધારા, આબોહવાના પરિવર્તન તેમજ 2047ના ભારત વિષેની પોતાની પરિકલ્પના વગેરે બાબતો ઉપર પણ વાત કરી હતી.
લાંબા સમય સુધી ભારતની છાપ એક અબજથી પણ વધુ ગરીબ, ભૂખ્યા લોકોના દેશ તરીકેની રહી હતી. પણ હવે એ બદલાઈ છે અને આજે ભારત આકાંક્ષાઓથી છલકાતા એક અબજથી પણ વધુ લોકોના, બે અબજથી પણ વધુ કુશળ હાથ ધરાવતા અને કરોડોના યુવાધન ધરાવતો દેશ ગણાય છે. 2047 સુધીનો યુગ એક જબરદસ્ત તકોનો યુગ છે. ત્યાં સુધીમાં મને વિશ્વાસ છે કે, ભારત વિકસિત દેશોની પંગતમાં બેસી ગયું હશે. ભારતના રાષ્ટ્રીય જીવનમાં ભ્રષ્ટાચાર, જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિકતાને કોઈ સ્થાન નહીં રહ્યું હોય. દેશના ગરીબોએ ગરીબી સામેના જંગમાં નિર્ણાયક વિજય હાંસલ કરી લીધો હશે તેમજ આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રની સ્થિતિ સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠની તુલનાએ પહોંચી ચૂકી હશે.
વિરોધ પક્ષોના મોંઘવારી અને બેરોજગારી મુદ્દે મોદી પર પ્રહારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના શાસનમાં ભારતે કરેલી પ્રગતિ અને સિદ્ધિઓ અંગે વાત કરી હતી. તેના પ્રતિભાવમાં કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોના ગઠબંધન ‘ઈન્ડિયા’એ દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસ સાંસદ રંજિત રંજને વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, આગામી જી-૨૦ શિખર સંમેલનને ધ્યાનમાં રાખતા રસ્તાઓ સુંદર બનાવાઈ રહ્યા છે, પરંતુ ભારતના યુવાનો રોજગારી અંગે સવાલ કરી રહ્યા છે. લોકો કૌભાંડો અને મોંઘવારી વિષે જવાબ ઈચ્છે છે. કોંગ્રેસના શોભા ઓઝાએ આક્ષેપ કર્યો કે વર્તમાન શાસનમાં મહિલાઓ, દલિતો અને આદિવાસીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે.
આપના સાંસદ સંજય સિંહે દાવો કર્યો કે વડાપ્રધાન મોદીના શાસનમાં બેરોજગારીનો દર ૪૨ વર્ષની ટોચે પહોંચ્યો છે અને ઈંધણ તથા દવાની કિંમતોમાં તિવ્ર વધારો થયો છે. તેમણે ઉમેર્યું કે ભાજપે યુવાનોને છેતર્યા છે. મોદી શાસનમાં અગ્નિવીર યોજના શરૂ કરાઈ, જે યુવાનો સાથે છેતરપિંડી સમાન છે. ખેડૂતોને પાકના ભાવ બમણા થવાનું વચન અપાયું હતું. દેશમાં કાળુ નાંણું પાછું લાવવા અને દરેક ભારતીયના ખાતામાં રૂ. ૧૫ લાખ આપવાનું વચન અપાયું હતું. તેમાંથી એક પણ પૂરાં થયા નથી.