(istockphoto.com)

ડો. યુવા અય્‍યર, આયુર્વેદિક ફિઝિ‌શિયન

તાવ-શરદી કે નાના-મોટા ઈન્ફેક્શન થવાથી થતાં રોગ હોય કે પછી ડાયાબીટીશ, હાર્ટડિસિઝ કે કેન્સર જેવી મોટી બિમારી હોય, કોઈ પણ વ્યાધિ શારીરિક અશક્તિ-દર્દ તો આપે જ છે. પરંતુ રોગનાં ઉપચાર માટે તબીબી મદદ લઈ અને છુટકારો મેળવાની આશા સાથે પ્રયત્ન થતાં હોય છે. થયેલા રોગ વીશે સામાન્ય માહિતી હોય કે પછી કુટુંબ કે સ્નેહીજનને આમાનાં કોઈ રોગથી પીડાતા- છુટકારો મેળવતાં જોયાનો અનુભવ કે જાણકારી હોય છે. પરંતુ જ્યારે શરીરમાં એવી તકલીફ થવાની ચાલુ થાય કે જેનાં વિશે કોઈ માહિતી કે અનુભવ ન હોય ત્યારે શારીરિક તકલીફની સાથે છુપો ડર અને મુંઝવણ થવાં લાગે છે. તેમાં પણ જો તકલીફ પેલ્વિક, પ્યુબીક કે જેનીટલ્સ ને લગતી હોય ત્યારે પીડિત વ્યક્તિ ડોક્ટર પાસે જતાં પણ સંકોચ અનુભવતા હોય છે. પુડેન્ડલ ન્યુરાલ્જીયા પણ આવીજ તક્લીફ છે, જેના વીશે મોટાભાગના લોકોને જાણકારી હોતી નથી અને તેથી જ જ્યારે પુડેન્ડલ નર્વેને લગતી કોઈ તકલીફ થાય છે, ત્યારે ન સહેવાય ન કહેવાય જેવી મુંઝવણ અનુભવાય છે.

પુડેન્ડલ ન્યુરાલ્જીયાઃ
પુડેન્ડલ શબ્દ લેટીન ભાષાનાં Pudenda-પુડેન્ડા પરથી આવ્યો. જેનો અર્થ થાય છે External genitals. લેટીનમાં પુડન્ડમનો અર્થ થાય છે, શરમ આવે તેવા અંગો. આ નર્વ વિશેનું વિશેષ સંશોધન 1836માં બેન્જામીન અલકોક દ્વારા થયેલું. જ્યારે તેઓ Internal Pudendal artery’s Path વિશે સંશોધન કરી રહ્યા હતા. પેલ્વિક એરિયાના સ્નાયુઓ સાથે પસાર થઈ જનનાંગો (સ્ત્રીઓમાં યોની અને પુરૂષોમાં શિશ્ન સુધી પહોંચતી પુડેન્ડલ નર્વ કમરમાં રહેલા Sacral Plexusમાં સાયટીકા નર્વ પછી ડાબી અને જમણી બે બાજુએથી પસાર થતી સંચાલન, સંવેદન અને સ્વૈચ્છિક રીતે કામ કરતી નર્વ છે. પુડેન્ડલ નર્વના 70% સૂત્રો Somatic fibres કહેવાય છે.

જેમાંના 50% સંવેદનનું અને 20% હલન-ચલન માટે સંકેતોનું આવાગમનનું કામ કરે છે. બાકીનાં 30%સૂત્રો Autonomic fibres- સ્વયંસંચાલિત હોય છે.

ઈન્ફિરિઅર રેક્ટલ નર્વ- જે મળદ્વારમાં સંવેદનો અને સંકોચ વિસ્તારનું સંચલાન સ્વૈચ્છિક રીતે કરવા માટે જવાબદાર છે. તથા પેરિનિયલ નર્વનાં સંવેદન અને સંચાલન કરતા સૂત્રો મૂત્રદ્વાર, વૃષ્ણ, યોની વગેરે સાથે આંતરિક સ્તરે તથા યુરોજેનિટલ ટ્રાયંગલથી ઓળખાતા ભાગની ત્વચામાં પણ સંવેદનનું વહન કરવા જવાબદાર હોય છે. ડોરસલ નર્વનાં સૂત્રો શિશ્ન, કિલટોરીસમાં સંવેદન-સંચાલન માટે જવાબદાર હોય છે.

આવી સાદી સમજથી એટલી જાણકારી મળે કે; મૂત્ર-મળનો નિકાલ, યોગ્ય સમય સુધી રોકવા માટેની ક્ષમતા માટે વ્યક્તિની સ્વયંસંચાલનની ક્ષમતા તથા મળ-મૂત્ર માર્ગ કે જનનાંગોમાં આવશ્યક પ્રવૃત્તિ માટે ત્યાં સ્થિત Autonomic fibres થી થતી અનૈચ્છિક કાર્ય-પ્રવૃત્તિ જેમકે ઈચ્છતા ન હોઈએ તેમ છતાં બ્લેડર ભરાતાં મળ-મૂત્ર પ્રવૃત્તિ માટેનું સંવેદન થવું. વગેરે ઘણી બધી શરીરને ઉપયોગી કાર્ય પ્રવૃત્તિઓનો મૂખ્ય આધાર પેલ્વિક અને યુરોજેનિટલ ટ્રાયંગલ તથા બાજુનાં સ્નાયુઓ સાથે જોડાયેલી નાડીઓનાં સિગનલ્સ પર હોય છે. કોઈપણ કારણસર કરોડરજ્જુનાં અંતિમ ભાગમાં થતાં વિકૃત ફેરફારથી આ બધાંજ અથવા અમુક કાર્ય માટે જવાબદાર નર્વ પર દબાણ આવે કે પછી નુકશાન થાય ત્યારે મળ-મૂત્ર પ્રવૃત્તિ જનનાંગોની પ્રવૃત્તિ-સંવેદન જેવી ઘણી બધી પ્રવૃત્તિઓમાં બાધા થઈ શકે છે. જ્યારે પુડેન્ડલ નર્વમાં વિકૃતિ થાય છે ત્યારે-

• શિશ્નમાં કે યોનીમાં વિચિત્ર સંવેદન – Tingling Sensation થવું.
• મળ-મૂત્ર પ્રવૃત્તિ યોગ્ય રીતે ન થવી.
• વધુ સમય બેસવાથી નર્વ પર પ્રેશર આવવાથી મળ મૂત્ર દ્વારના ભાગમાં દુઃખાવો, દબાણ અનુભવાય
• લાંબો સમય સાયકલિંગ કરવાથી મળદ્વારમાં કે વૃષ્ણ, યોનિમાં દબાણ અનુભવાય.
• મૂત્ર પ્રવૃત્તિ પૂરી થયાં પછી પણ મૂત્ર, પ્રવૃત્તિની ઈચ્છા રહ્યા કરે.
• થોડો પ્રયત્ન કરવાથી દુઃખાવા સાથે મૂત્ર થોડી માત્રામાં નિકળે.
આમાંથી કેટલીક તો આથી પણ અલગ પ્રકારની તકલીફ પુડેન્ડલ નર્વની તકલીફને કારણે થતી જોવા મળે છે.

કમરનો દુઃખાવોઃ
પુડેન્ડલ નર્વ સંબંધિત તકલીફ સાથે આવતા દર્દીઓમાં મોટાભાગના • દર્દીઓને સાયટિકાનો દુઃખાવો છે. બેડરેસ્ટ કર્યો. • મણકામાં દુઃખાવો મટાડવાનાં ઈન્જેક્શન લીધા. • પગની પાની અને ઘુંટોથી લઈ સાથળ સુધી દુઃખાવો થાય છે. • ડાબા કે જમણા પગનો સાથળ ભારે-ભારે અનુભવાય છે. • સ્નાયુમાં બળતરા, સોય ભોંકાતી હોય તેવો દુઃખાવો થાય છે. આ પ્રકારની તકલીફ હિસ્ટરી ટેકિંગમાં જાણવા મળતી હોય છે. કરોડરજ્જુમાં થતી વિકૃતિને કારણે નાડીઓમાં દબાણ કે ઈજા થવાને પરિણામે આ બધુ થતું હોય છે.
આયુર્વેદ શ જણાવે છે?
આયુર્વેદ આ બધા લક્ષણો અને વિકૃતિઓથી થતાં રોગોનું વર્ણન ખૂબ વિસ્તારથી ‘વાતવ્યાધિ’માં જણાવે છે.
• માત્ર દુઃખાવો ન થાય તે પૂરતાં ઉપચારથી સંપૂર્ણ ચિકિત્સા થતી નથી.
• વાતવ્યાધિ માટેની મૂળભૂત દોષને ધ્યાનમાં રાખી વિકૃતવાયુની ચિકિત્સા જે તે રોગોનું બળ, ઉંમર, પ્રકૃતિ, વિકૃતિ-સિમ્પ્ટમ્સને ધ્યાનમાં રાખી સૂચવે છે.
અમુક સામાન્ય ઉપચારો:
• સુપાચ્ય ખોરાક, તાજો ખોરાક ખાવો.
• કબજીયાતનો ઉપચાર કરવો.
• યોગ્ય તબીબી પરિક્ષણ-સલાહથી વાતનાશક તેલનું મસાજ, બસ્તિ, ઉત્તરબસ્તિ કરાવવાથી ફાયદો થાય છે.
• કરોડરજ્જુની વિકૃતિને ધ્યાનમાં રાખી તબીબી સલાહનુસાર વધુ સમય બેસવું, સાયકલિંગ, ભારે પ્રવૃત્તિ વગેરે ટાળવી
• નર્વનું દબાણ અને નુકશાન દૂર કરવા ફિઝિયોથેરાપીસ્ટની મદદ લેવી.
•સોનોગ્રાફી, MRI જેવા પરિક્ષણ સાથે તમે જેની સાથે સંકોચ વગર કન્સલ્ટેશન કરાવી શકતાં હોવ તેવા તબીબના માર્ગદર્શનમાં ઉપચાર કરાવવા.

અનુભવસિદ્ધિ
સાયટીકાના દુઃખાવા બાદ યોનીમાં થતાં વિચિત્ર સંવેદન કે વાદળછાયા વાતાવરણથી થયેલાં કમરનાં દુઃખાવા બાદ મૂત્ર-પ્રવૃત્તિમાં થતી તકલીફને સંબંધ હોઈ શકે તે ન જાણતી સ્ત્રીઓ સંકોચવશ કયા ડોક્ટરને બતાવવું એવી મુંઝવણ અનુભવે તે સ્વાભાવિક છે. ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ, ન્યુરોલોજીસ્ટ કે યુરોલોજીસ્ટ પાસે ઉપચાર માટે જઈ શકાય. આયુર્વેદિય ચિકિત્સક ઉત્તરબસ્તિ અને પિચુધારણ જેવી વાતનાશક તેલથી થતી ટ્રીટમેન્ટથી કમરનો દુઃખાવો અને પુડેન્ડલ નર્વની વિકૃતિ મટાડી શકે છે.

LEAVE A REPLY