ગુજરાત સહિત સમગ્ર ભારતમાં બુધવાર, 30 ઓગસ્ટે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર એટલે રક્ષાબંધનની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે બહેન ભાઈને તિલક કરવાની સાથે રાખડી બાંધીને લાંબી ઉંમરની કામના કરે છે. આ સાથે જ ભાઈ બહેનને રક્ષાનું વચન આપે છે. દરેક વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે.
બહેનોએ પોતાના ભાઇને રાખડી બાંધીને ભાઇના રક્ષણની કામના કરી હતી. દિલ્હીમાં સ્કૂલની બાળકીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધી હતી. આ તરફ જમ્મુ-કાશ્મીરથી લઈને છત્તીસગઢ સુધી, સ્કૂલની છોકરીઓએ આર્મી, બીએસએફ અને સીઆરપીએફના જવાનોને રાખડી બાંધી હતી. ઘરથી દૂર દેશની રક્ષા કરી રહેલા આ જવાનોએ બહેનને મીઠાઈ ખવડાવી અને તેની તસવીરો ક્લિક કરાવી રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી.
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નિવાસ સ્થાને રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી હતી. નાની બાળકીઓએ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી. આ તહેવારે યોજાયેલા પ્રોગ્રામમાં સેંકડો મહિલાઓ હાજર રહી હતી. પ્રધાનોના નિવાસસ્થાનમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
રક્ષાબંધનને લઈને પટનાના બજારમાં ચંદ્રયાન અને બુલડોઝર થીમ પરની રાખડી આવી હતી. આ રાખડી સામાન્ય રાખડી કરતા તદ્દન અલગ હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બુલડોઝર કાર્યવાહીથી પ્રભાવિત થઈને લોકોએ બુલડોઝરને રાખડી બનાવી છે. તેમનું કહેવું છે કે બુલડોઝર રાખડી દ્વારા તેમના ભાઈને શક્તિશાળી માની શકાય છે અને તો જ તે બહેનની રક્ષા કરી શકશે. આ રાખડીની કિંમત રૂ.250 થી રૂ. 300 હતી. આ ઉપરાંત પાંદડા, ઇન્દ્રની ગર્જના, જી-20 સહિત ઘણી વિવિધ થીમ રાખડી બનાવવામાં આવી હતી.
બહેનની રક્ષા માટે આજના દિવસે ભાઈ વચન આપે છે અને બહેન ભાઈની રક્ષા માટે કવચ સ્વરૂપે રાખડી બાંધે છે. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદ કેદીઓએ પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. આ વર્ષે પણ જેલમાં કેદ કેદીઓને તેઓની બહેન રાખડી બાંધી આ પવિત્ર દિવસની ઉજવણી કરી શકે અને કોઈ ભાઈનો હાથ સુનો ન રહી જાય તે હેતુથી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી. છેલ્લા 35 વર્ષથી જેલ વિભાગ દ્વારા જેલમાં કેદ કેદીઓ માટે રક્ષાબંધન પર્વની ઉજવણી માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે ભસ્મ આરતી અને વિશેષ પૂજા કરવામાં આવી હતી. મીઠાઈઓ અને ભેટો ખરીદવા માટે સવારથી જ દેશભરનાં બજારોમાં લોકોની ભીડ જામી હતી.રક્ષાબંધનના મૂળમાં વિવિધ ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ છે. ભગવાન કૃષ્ણ અને દ્રૌપદીની એક લોકપ્રિય દંતકથા છે.