(ANI Photo)

રક્ષાબંધનના તહેવાર પહેલા મોદી સરકારે રાંધણ ગેસના ભાવમાં સિલિન્ડર દીઠ રૂ.200નો ઘટાડો કરવાની મોટી જાહેરાત કરી હતી. પ્રજા પર મોંઘવારીની અસરમાં ઘટાડો કરવા તથા આગામી વિધાનસભાની ચૂંટણીમાં સસ્તા એલપીજીના કોંગ્રેસના વચનોનો સામનો કરવા માટે સરકારે આ નિર્ણયની 29 ઓગસ્ટે જાહેરાત કરી હતી.. કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયથી એલપીજીના તમામ ગ્રાહકોને ફાયદો થશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના લાભાર્થીઓને હવે સિલિન્ડર દીઠ રૂ.400ની કુલ સબસિડી મળશે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે રક્ષા બંધનનો તહેવાર આપણા પરિવારમાં ખુશીઓ વધારવાનો દિવસ છે. ગેસના ભાવમાં ઘટાડો થવાથી મારા પરિવારની બહેનોની ખુશીમાં વધારો થશે અને તેમનું જીવન સરળ બનશે. પીએમ મોદીનું આભાર માનતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે મોદીજીએ રક્ષાબંધન અને ઓણમના શુભ અવસર પર દેશની માતાઓ અને બહેનો માટે ઘરેલુ સિલિન્ડર પર રૂ.200ની સબસિડીને મંજૂરી આપી છે. આ નિર્ણય સાથે ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ ગેસ સિલિન્ડરની કુલ સબસિડી હવે રૂ.400 થશે.

મે 2020ની સરખામણીમાં એલપીજીના 14.2 કિગ્રાના સિલિન્ડરનો ભાવ લગભગ બમણો થયો છે. હાલમાં દિલ્હીમાં તેનો ભાવ રૂ.1,103 છે. બુધવારથી સરકારના નિર્ણયના અમલ પછી તેનો ભાવ ઘટીને રૂ.903 થશે. ઉજ્જવલા લાભાર્થીઓ તેનો ભાવ રૂ.703 રહેશે, કારણ કે તેમને સિલિન્ડર દીઠ રૂ.200ની સબસિડી મળે છે.

આ નિર્ણયની જાહેરાત કરતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે આ પગલાનો ઉદ્દેશ્ય પરિવારોને રાહત આપવાનો છે. આ ઉપરાંત સરકાર વધારાના 75 લાખ ઉજ્જવલા કનેક્શન્સ આપશે. તેનાથી PMUY લાભાર્થીઓની કુલ સંખ્યા 10.35 કરોડ થશે. જોકે અનુરાગ ઠાકુરે આ નિર્ણયને ચૂંટણી સાથે જોડવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે મોદી સરકાર તરફથી ઓણમ અને રક્ષાબંધનના અવસર પર મહિલાઓને આ એક ભેટ છે.

સરકારે જૂન 2020માં એલપીજી સબસિડી આપવાનું બંધ કરી દીધું હતું. તેથી દેશભરમાં રાંધણ ગેસનો ભાવ માર્કેટ રેટ મુજબ હતો. માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત કનેક્શન મેળવનાર ગરીબ મહિલાઓને  વર્ષમાં 12 સિલિન્ડર માટે સિલિન્ડર દીઠ રૂ.200ની સબસિડી મળતી હતી. આ સબસિડી લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં જમા થતી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો થયો છે અને તે મુખ્ય ચૂંટણીનો મુદ્દો બની ગયો છે. કોંગ્રેસે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં પણ એલપીજીના ભાવના મુદ્દો અસરકારક રીતે ઉપયોગ કર્યો હતો. પાર્ટીએ મધ્યપ્રદેશમાં રૂ.500ના ભાવે ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. મધ્યપ્રદેશમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ રાજસ્થાનમાં પણ આટલા ભાવે એલપીજી સિલિન્ડર આપે છે. રાજસ્થાનમાં પણ નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણી આવી રહી છે.

 

LEAVE A REPLY