ભારતની મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે IBSA વર્લ્ડ ગેમ્સની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાયેલી આ ગેમ્સની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે વિજયી રહી હતી. જો કે, પુરૂષોની ટીમનો પાકિસ્તાન સામે ફાઈનલમાં 8 વિકેટે પરાજય થતાં તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
IBSA વર્લ્ડ ગેમ્સમાં આ વર્ષે પ્રથમ વખત ક્રિકેટનો સમાવેશ કરાયો હતો. આ રીતે ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 9 ઓવરમાં 8 વિકેટે 114 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે 3.3 ઓવરમાં 1 વિકેટે 43 રન કર્યા પછી વરસાદના કારણે રમત અટકાવવી પડી હતી. સારા નેટ રન રેટને કારણે ભારતીય ટીમને વિજેતા જાહેર કરાઈ હતી.
પુરૂષોના મુકાબલામાં ભારતે પહેલા બેટિંગ કરતાં 184 રન કર્યા હતા, પણ પાકિસ્તાને જબરજસ્ત બેટિંગ કરી ફક્ત બે વિકેટે વિજયના ટાર્ગેટ હાંસલ કર્યો હતો.