ભારતની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું છે કે કોઇ વ્યક્તિનું મૃત્યું પહેલાનું નિવેદન હંમેશા આરોપીને દોષિત ઠેરવવાનો એકમાત્ર આધાર બની શકે નહીં. આવા નિવેદનની સચ્ચાઈના સંદર્ભમાં આશંકા ઉભી કરવામાં આવી હોય તેવા કિસ્સામાં કોર્ટે ચુકાદો આપતી વખતે સાવધાની રાખવી જોઇએ.
સુપ્રીમ કોર્ટે આવા નિવેદન અંગેના કાનૂની સિદ્ધાંતોની પણ વિગતવાર છણાવટ કરી હતી અને મૃત્યુના બિછાને રહેલો વ્યક્તિ જુઠ્ઠું બોલશે નહીં તેવી એક વ્યાપક માન્યતા અંગે સ્પષ્ટતા કરી હતી. સામાન્ય રીતે વિવિધ અદાલતો એવું માની લેતી હોય છે કે મૃત્યુ પહેલાં વ્યક્તિએ આપેલું નિવેદન હંમેશા સાચું છે.
ઉત્તરપ્રદેશના ઈરફાન નામના આરોપીને પુત્ર ઈસ્લામુદ્દીન અને બે ભાઈ ઈર્શાદ અને નૌશાદની હત્યાના દોષિત જાહેર કરાયો હતો અને મૃત્યુદંડની સજા કરાઈ હતી. તે છેલ્લા આઠ વર્ષથી જેલમાં છે. નીચલી અદાલતે ઈરફાનને દોષિત ઠેરવવા માટે મૃત્યું પહેલાનાં નિવેદન પર આધાર રાખ્યો હતો. 2018માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા કોઈ વિસંગતતા ન મળ્યાં પછી સજાને યથાવત રાખવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હવે ઇરફાનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે જણાવ્યું હતું કે મૃત્યું પહેલાનું નિવેદન સાચું હોય તેવી માન્યતા છે. તે સંપૂર્ણ વિશ્વસનીય અને આત્મવિશ્વાસને પ્રેરણા આપતું હોવું જોઈએ અને તેની સચ્ચાઈ અંગે કોઇ આશંકા હોય અથવા રેકોર્ડ પરના પુરાવા દર્શાવતા હોય કે તે સાચુ નથી તો આવા નિવેદનને માત્ર એક પુરાવો ગણવો જોઇએ, પરંતુ તે દોષિત ઠેરવવા માટેનો એકમાત્ર આધાર બની શકે નહીં. હત્યાનો ભોગ બનનાર વ્યક્તિ માનસિક રીતે તંદુરસ્ત સ્થિતિમાં હોય તો તેનું મૃત્યું પહેલાનું નિવેદન સ્વીકારી શકાય છે. જોકે કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવેલા આ મામલામાં આવું નથી.