અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર બનવા મેદાનમાં ઉતરેલા ઇન્ડિયન અમેરિકન વિવેક રામાસ્વામીએ સંકેત આપ્યો છે કે જો તેમને પાર્ટી તરફથી સર્વોચ્ચ હોદ્દાની ચૂંટણી માટે નોમિનેશન નહીં મળે તો તેઓ ટ્રમ્પના ડેપ્યુટી એટલે કે વાઇસ પ્રેસિડન્ટ માટે પણ તૈયાર છે.
23 ઓગસ્ટે પ્રથમ રિપબ્લિકન પ્રમુખપદની પ્રાથમિક ચર્ચામાં ભાગ લેનાર 38 વર્ષના રામાસ્વામીએ ડિબેટ પછી જણાવ્યું હતું કે રેસમાં માત્ર બે ઉમેદવારો જ બચશે, જેમાં તેમનો અને ટ્રમ્પનો સમાવેશ થાય છે. તેઓ “ટ્રમ્પના VP બનવાથી ખુશ થશે” એવા પ્રશ્નના જવાબમાં રામાસ્વામીએ જણાવ્યું હતું કે “જુઓ, આ મારા હાથની વાત નથી. જો આ મારા હાથની વાત હોત તો હું તૈયાર છું. મારી ઉંમરના કોઈ પણ વ્યક્તિ માટે તે સારો હોદ્દો હશે. અહીં ઉલ્લેખનીય છે કે રામાસ્વામીએ થોડા દિવસો પહેલા જ એવું કહ્યું હતું કે તેમને વાઇસ પ્રેસિડન્ટ માટે ચૂંટણી લડવામાં કોઈ રસ નથી. રામાસ્વામીએ પ્રાઈમરી ડિબેટમાં પોતાના પ્રતિસ્પર્ધી અને ભારતીય મૂળના નિક્કી હેલી સામે આકરી ટક્કર ઝીલવી પડી હતી.