(ANI Photo)

હિન્દુ સંગઠનોએ 28 ઓગસ્ટે શોભાયાત્રા કાઢવાનું આહ્વાન કર્યું હોવાથી સાવચેતીના પગલા રૂપે હરિયાણા સરકારે શનિવારે સંવેદનશીલ નૂહ જિલ્લામાં 28 ઓગસ્ટ સુધી મોબાઈલ ઈન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. નૂહના સત્તાવાળાએ 28 ઓગસ્ટે ધાર્મિક યાત્રા કાઢવાની પરવાની આપવાનો તાજેતરમાં ઇનકાર કર્યો હતો. જુલાઇમાં આવી શોભાયાત્રાને પગલે મોટાપાયે કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં.

જિલ્લા વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે એક વિસ્તારમાં ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકતી CrPCની કલમ 144 પણ લાગુ કરી હતી. આ આદેશ 26-28 ઓગસ્ટ સુધી અમલમાં આવશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિને લાયસન્સવાળા હથિયારો, લાઠીઓ, કુહાડીઓ જેવા હથિયારો લઈ જવાની મંજૂરી અપાશે નહીં.

હરિયાણાના પોલીસ મહાનિર્દેશક શત્રુજીત કપૂરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરહદી રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી અને કોઇપણ પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા માટે સંકલિત પ્રયાસ કરવા હાકલ કરી કરી હતી. આ બેઠકમાં પંજાબ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી. કપૂરે જણાવ્યું હતું કે સત્તાવાળાએ 3-7 સપ્ટેમ્બર દરમિયાન નૂહમાં યોજાનારી જી-20 શેરપા ગ્રૂપની બેઠક અને 31 જુલાઈની હિંસા પછી કાયદો અને વ્યવસ્થા જાળવી માટે શોભાયાત્રાની મંજૂરી આપી નથી.

અગાઉ 31 જુલાઈએ વિશ્વ હિન્દુ પરિષદના ધાર્મિક સરઘસ પર મુસ્લિમોના ટોળાએ હુમલો કર્યો હતો. તેનાથી ફાટી નીકળેલા કોમી તોફાનોમાં બે હોમગાર્ડ અને એક મૌલવી સહિત છ લોકોના મોત થયાં હતાં.

LEAVE A REPLY