બ્રિટિશ રાજવી પરિવારના પ્રિન્સ હેરી રાણી એલિઝાબેથની પ્રથમ પૂણ્યતિથિના એક દિવસ અગાઉ 7 સપ્ટેમ્બરના રોજ યુકે પહોંચી રહ્યા છે. તેઓ લંડનમાં યોજાયેલા વેલચાઇલ્ડ એવોર્ડઝ સમારંભમાં હાજરી આપશે. ડ્યૂક ઓફ સસેક્સ આ એવોર્ડ સમારંભ માટે કેલિફોર્નિયાથી સીધા લંડન પહોંચશે, જ્યાં તેઓ ગંભીર બિમાર બાળકો અને યુવાનોની સિદ્ધિઓની ઉજવણીમાં ભાગ લેશે. પછી તેઓ ત્યાંથી જર્મનીમાં ડસ્સલડોર્ફ ખાતે આયોજિત ઇનવિક્ટસ ગેમ્સ માટે જશે, જ્યાં મેઘન મર્કલ તેમની સાથે જોડાશે. આ ગેમ્સ 9થી 16 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.
યુકેની આ મુલાકાત દરમિયાન પ્રિન્સ હેરી તેમના પિતા કિંગ ચાર્લ્સ કે ભાઇ પ્રિન્સ વિલિયમને મળવાનો ઇરાદો ધરાવતા નથી, મિરર અખબારના દાવા મુજબ રાજવી પરિવાર પાસે તેમના મતભેદોમાં સમાધાન કરવાની આ સારી તક છે, પરંતુ પ્રિન્સ હેરીના તેમના પરિવારના સાથેના સંબંધો હજુ પણ નહિવત્ છે.
વેલચાઇલ્ડ એવોર્ડ સમારંભની અગાઉના સમયગાળામાં પ્રિન્સ હેરી વિજેતાઓ અને તેના પરિવારજનોને મળીને તેમની વાતો સાંભળશે, તેવું અખબારમાં જણાવવામાં આવ્યું છે. પ્રિન્સ હેરી છેલ્લા 15 વર્ષથી આ ચેરિટીના માર્ગદર્શક છે અને અગાઉ તેના 11 એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.