ભારત સરકારના આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે 25 ઓગસ્ટે વર્ચુઅલ માધ્યમથી ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ 2022ના વિજેતાઓની જાહેરાત કરી હતી. જેમાં દેશના સ્માર્ટ સિટીની યાદીમાં સુરત બીજુ સ્થાન મળ્યું છે. જયારે અમદાવાદને પણ અલગ-અલગ કેટેગરીમાં ચાર એવોર્ડ પ્રાપ્ત થયા છે. વિવિધ કેટેગરીમાં 66 વિજેતા શહેરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઈન્દોરે નેશનલ સ્માર્ટ સિટીનો પ્રથમ એવોર્ડ જીત્યો. જ્યારે મધ્ય પ્રદેશે સ્ટેટ એવોર્ડ અને ચંદીગઢને કેન્દ્ર શાસિત પ્રદેશનો એવોર્ડ મળ્યો હતો. 27 સપ્ટેમ્બરના રોજ ઇન્દોર ખાતે આયોજિત સમારોહમાં પ્રેસિડેન્ટ દ્રૌપદી મૂર્મુ દ્વારા આ એવોર્ડ એનાયત કરાશે.
અમદાવાદને સ્માર્ટ હેરીટેજ અને ICCC SUSTANINABLE BUSINESS MODELનો પ્રથમ ક્રમાંક, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન મોનિટરીંગ પ્રોજેક્ટને ત્રીજો ક્રમાંક અને ઝોનલ સ્માર્ટ સિટી એવોર્ડ કેટેગરીમાં “WEST ZONE” સબકેટેગરીમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શ્રેષ્ઠ સ્માર્ટ સિટી તરીકેનો એવોર્ડ એનાયત થયો છે.