જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમીટ દરમિયાન દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ ગુરુવારે જણાવ્યું હતું કે બ્રિક્સ જૂથ છ રાષ્ટ્રોને સંપૂર્ણ સભ્ય બનવા માટે આમંત્રિત કરશે. આ દેશોમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, આર્જેન્ટિના, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે. બ્રિક્સમાં સામેલ તમામ દેશો સાથે ભારતના ઘણા સારા સંબંધો છે.
હાલમાં બિક્સના સભ્ય દેશોમાં બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. ચીન બિક્સમાં પાકિસ્તાનને પણ સામેલ કરવા માગતું હતું, પરંતુ ભારતે તેનો સખત વિરોધ કર્યો હોવાનું માનવામાં આવે છે.
રામાફોસાએ જણાવ્યું હતું કે, સભ્યપદ આવતા વર્ષે 1 જાન્યુઆરીથી લાગુ થશે. BRICS વિસ્તરણ પ્રક્રિયાના પ્રથમ તબક્કા પર અમારી સર્વસંમતિ છે. અમે આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતને સંપૂર્ણ સભ્ય માટે આમંત્રણ આપવાનો નિર્ણય કર્યો છે. સભ્યપદ પહેલી જાન્યુઆરી, 2024 થી અમલમાં આવશે.
રામાફોસાની જાહેરાત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ છ રાષ્ટ્રોનું સ્વાગત કર્યું હતું અને અન્ય રાષ્ટ્રો સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે બ્રિક્સમાં આ છ રાષ્ટ્રોનું સ્વાગત છે. હું આ રાષ્ટ્રોના નેતાઓ અને લોકોને અભિનંદન આપું છું. આ દરેક દેશો સાથે ભારતના ગાઢ સંબંધો, ઐતિહાસિક સંબંધો છે અને હું માનું છું કે અમે સહકાર અને સમૃદ્ધિના નવા યુગ માટે સાથે મળીને કામ કરીશું.
ભારતના સૂત્રોએ જણાવ્યું હતું કે બ્રિક્સમાં નવા સભ્યોની પસંદગી કરવા માટે ભારતે સર્વસંમતિ બનાવવાની આગેવાની લીધી છે. બુધવારે, વડા પ્રધાને આ માટે ભારતના સંપૂર્ણ સમર્થન પર ભાર મૂક્યો હતો.
આ સમિટમાં BRICS વિસ્તરણ મુખ્ય ફોકસ ક્ષેત્ર છે અને 20થી વધુ દેશોએ પૂર્ણ સભ્યપદ માટે અરજી કરી છે. વિસ્તરણની માગણીને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ દ્વારા પણ સમર્થન મળ્યું હતું.
માહિતી અનુસાર બ્રિક્સ સંગઠનમાં ચીન તેના સમર્થક દેશોને સામેલ કરવા માગતું હતું જેથી આ સંગઠનને જી-7 વિરુદ્ધ ઊભું કરવામાં આવી શકે. જોકે ભારતે તેના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું હતું. બ્રિક્સમાં સામેલ તમામ દેશો સાથે ભારતના ઘણા સારા સંબંધો છે.