યુકેના હિન્દુ સમુદાયના સૌથી મોટા મિલન સમાન કેમ્બ્રિજની જીસસ કોલેજમાં યોજાયેલી પૂ. મોરારી બાપુની રામ કથામાં દેશના વડા પ્રધાન ઋષિ સુનકે બ્રિટિશ અને હિન્દુ હોવાના ગર્વ વિશે વાત કર્યા બાદ બ્રિટનના હિન્દુઓ “ગૌરવથી ભરપૂર” હોવાની લાગણી અનુભવી રહ્યા છે.

હર્ટફર્ડશાયરના પોટર્સ બાર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા કન્ઝર્વેટિવ કાઉન્સિલર મીનલ સચદેવે જણાવ્યું હતું કે ‘’યુકેના પ્રથમ હિંદુ વડા પ્રધાનની વાત સાંભળીને હાજર રહેલા લોકો ગર્વથી છલકાઇ ગયા હતા. મેં ઘણા લોકો સાથે પછીથી આ બાબતે વાત કરતાં લોકોએ કહ્યું હતું કે તેઓ માની જ શક્યા ન હતા કે  તેઓ આટલું સુંદર બોલ્યા. મને લાગે છે કે તેઓ પહેલાથી જ ખૂબ જ ઉત્સાહિત હતા. માત્ર કેમ્બ્રિજના હિંદુઓએ જ નહીં, પરંતુ યુકે અને વિશ્વભરના ઘણા લોકો કેમ્બ્રિજમાં હાજર રહ્યાં હતા. મને લાગે છે કે દરેક વ્યક્તિ સન્માન અને ગર્વની લાગણી અનુભવે છે.”

બીજી તરફ સુનકે કથાના મંચ પરથી પોતે હિન્દુ તરીકે ઉપસ્થિત રહ્યા હોવાનું અને હિન્દુ ધર્મ તેમને બળ આપી રહ્યો છે તેમ જણાવતા તેમના પ્રવચનના વિડીયો આખી દુનિયાના હિન્દુ સમુદાયમાં સોસ્યલ મિડીયાના વિવિધ માધ્યમો દ્વારા ફરી વળ્યા હતા અને કોરોડો લોકોએ તે વિડીયો જોઇ ગર્વ અનુભવ્યો હતો. સુનકે પોતાની વડા પ્રધાનની કચેરીના ડેસ્ક પર ભગવાન ગણેશજીની પ્રતિમા હોવાનું પણ જણાવ્યું હતું. સુનકે જે રીતે ખુલ્લે આમ પોતાના હિન્દુ ધર્મ પ્રત્યેના આદર અંગે જણાવ્યું તે જોતાં લોકો તેમની સરખામણી ભારતના નેતાઓ, બોલીવુડ અભિનેતાઓ, બિઝનેસમેન અને અન્ય અગ્રણીઓ સાથે કરી રહ્યા છે. આ ઉપરાંત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રથમ વખત હિંદુ આધ્યાત્મિક કાર્યક્રમ યોજાતા હિન્દુઓ ગર્વ અનુભવી રહ્યા છે.

LEAVE A REPLY