ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે તાજેતરમાં ઉજવાઇ ગયો. બોલીવૂડમાં પણ આ ફ્રેન્ડશિપ ડેની ઉજવણી થઇ હતી. મિત્રતા જ્યારે પ્રેમમાં પરિવર્તિત થાય ત્યારે તેને સોનામાં સુગંધ ભળી કહેવાય. આપણી આસપાસ ઘણાં એવા લોકો હશે જેઓ સ્કૂલ-કોલેજ ટાઈમથી બેસ્ટ ફ્રેન્ડ હોય અને પછી તેઓ જીવનસાથી બની ગયા હોય. બોલીવૂડમાં પણ આવા ઘણા લોકો છે, જેઓ મિત્રોમાંથી એક-બીજાના જીવનસાથી બન્યા હોય. અહીં બોલીવૂડની એવી સેલિબ્રિટીઝની વાત છે જેમણે પોતાના શ્રેષ્ઠ મિત્રને જ જીવનસાથી બનાવીને મિત્રતાના સંબંધોમાં પ્રેમની સુગંધ પ્રસરાવી હોય.
તાહિરા કશ્યપ-આયુષ્યમાન ખુરાના
યુવા અભિનેતા આયુષ્યમાન ખુરાના અને તેમની પત્ની તાહિરા કશ્યપ સ્કૂલથી એકબીજાના ગાઢ મિત્ર છે. તાહિરા-આયુષ્યમાન ધોરણ-12ના કોચિંગથી લઈને કોલેજ સુધી બેસ્ટફ્રેન્ડ બનીને એકબીજાની સાથે રહ્યાં છે. એ સમયે આયુષ્યમાનને ખૂબ ચાહતી હતી. પરંતુ તાહિરાએ કોલેજ પૂર્ણ થઈ ત્યાં સુધી આયુષ્યમાનને આ વાત જણાવી નહોતી. બંનેના માતા-પિતા એકબીજાના મિત્રો નીકળતા તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી. આજે તેમનો બોલીવૂડના સૌથી ક્યૂટ કપલમાં સમાવેશ થાય છે.
શાહરુખ-ગૌરી ખાન
બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન અંગે બધા સુપરિચિત છે. બંનેએ એકબીજાની સાથે 1991માં લગ્ન કર્યા હતાં. તેઓ દંપત્તી પછી પરંતુ એક સારા મિત્રો છે. શાહરુખ ખાન અને ગૌરી એકબીજાને નાનપણથી ઓળખે છે. બંનેની પ્રથમ મુલાકાત એક પાર્ટી દરમિયાન થઈ હતી. ત્યારે શાહરુખ ખાનની ઉંમર 16 વર્ષ અને ગૌરીની ઉંમર 14 વર્ષ હતી. સમયની સાથે એકબીજાના પરિચયમાં આવતા બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ. શાહરુખ ખાનના ખરાબ સમયમાં પત્નીની સાથે એક મિત્ર બનીને હંમેશા ગૌરી ખાને મદદ કરી છે.
માના-સુનિલ શેટ્ટી
બોલિવૂડમાં એક સમયના સૌથી ડેશિંગ અભિનેતા સુનીલ શેટ્ટી પણ પોતાની બાળપણની મિત્ર સાથે લગ્નગ્રંથિથી જોડાયા છે. સુનીલ શેટ્ટીએ 1991માં પોતાની ગાઢ મિત્ર માના સાથે લગ્ન કર્યા છે. સુનીલ અને માના બાળપણથી એકબીજાને ઓળખતા હતા. સુનીલ શેટ્ટીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘માનાને એક દુકાન પર સૌપ્રથમવાર જોઈ હતી ત્યાર બાદ થોડી વાતચીત પછી અમારી વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. જે મિત્રતાને અમે લગ્નમાં બદલી હતી. માના મારી લાઈફ પાર્ટનર પછી પણ પહેલા એક સારી ફ્રેન્ડ છે.’
વરુણ ધવન-નતાશા દલાલ
વરુણ ધવન અને નતાશા દલાલ પણ બાળપણથી મિત્રો હતા. વરુણ અને નતાશા સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. બંને એકબીજાની ખૂબ જ નજીક હતા. વરુણ પોતાની દરેક ગુપ્ત વાતો નતાશાને જણાવતો હતો. વરુણ ધવનની સફળતા પાછળ અને તેના આત્મવિશ્વસમાં વધારો કરવામાં નતાશાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 2021માં તેમણે લગ્ન કરી લીધા હતા. વરુણ ધવને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તમારી નાનપણની મિત્ર સાથે જો સમય સાથે તમારા લગ્ન થાય તો એ લગ્ન જીવન સોનામાં સુગંધ ભળી હોય તેવું બની જાય છે.’
જેનેલિયા-રિતેશ દેશમુખ
જેનેલિયા અને રીતેશ દેશમુખને બોલીવૂડમાં સફળ સેલિબ્રિટી કપલ માનવામાં આવે છે. જેનેલિયા અને રિતેશે નવ વર્ષના ડેટિંગ પછી 2012માં લગ્ન કર્યા હતા. તેઓ પણ જુના મિત્રો છે. લગ્ન પછી લાંબા સમય સુધી અભિનયથી દૂર રહેલી જેનેલિયા નવી ફિલ્મ ‘ટ્રાયલ પીરિયડ’ ઓટીટી પર રિલીઝ થઇ છે. જેનેલિયાએ આ ફિલ્મની રિલીઝ પૂર્વે રીલેશનશિપ જાળવી રાખવાની ટિપ્સ આપી હતી. તેણે જણાવ્યું હતું કે, દરેક સંબંધમાં કમ્યુનિકેશન અને રીસ્પેક્ટ જરૂરી છે.
અરજિત સિંઘ-કોયલ રોય
બોલીવૂડના જાણીતા ગાયક અરજિત સિંઘ અને તેનાં પત્ની કોયલ રોય પણ બાળપણથી એકબીજાના સારા મિત્રો છે. મોટાભાગે પોતાના અંગત જીવન અંગે જાહેરમાં ઓછું બોલતા અરજિત સિંઘે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કોયલ તેની બાળપણની મિત્ર છે. કોયલ અને અરજિત પાડોશી હતા, પરંતુ પોતાના શરમાળ સ્વભાવને કારણે ક્યારેય અરજિતે તેને પ્રેમ સંબંધ વિશે જણાવ્યું નહોતું. પણ અંતે પરસ્પર એકબીજાની સાથેની ચર્ચાના આધારે અરજિત સિંઘ અને કોયલે મિત્રતાના સંબંધને પ્રેમમાં બદલીને જીવનસાથી બની ગયા. અરજિત પોતાની સફળતાનો શ્રેય પણ પત્નીને આપે છે.