બાઇડન સરકારની અપીલને નકારીને યુએસ કોર્ટે પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણાના ભારતમાં પ્રત્યાર્પણ પર રોક લગાવી હતી. રાણા ભારતમાં 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના કેસનો સામનો કરી રહ્યો છે. રાણાએ કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ સામે નાઇન્થ સર્કિટ કોર્ટ સમક્ષ અપીલ કરી હતી. 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં 6 અમેરિકનો સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા.

સેન્ટ્રલ કેલિફોર્નિયામાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ ડેલ એસ. ફિશરે તેમના તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે રાણાના પ્રત્યાર્પણ પર સ્ટે માંગતી “એક્સપાર્ટી અરજી” મંજૂર કરવામાં આવી છે.

ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA 2008માં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા 26/11ના હુમલામાં રાણાની ભૂમિકાની તપાસ કરી રહી છે.આ હુમલાઓમાં તેની ભૂમિકા માટે ભારત દ્વારા પ્રત્યાર્પણની વિનંતી પર યુએસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. NIAએ કહ્યું છે કે તે રાજદ્વારી માધ્યમો દ્વારા તેને ભારત લાવવાની કાર્યવાહી શરૂ કરવા માટે તૈયાર છે.

અગાઉ કોર્ટની સુનાવણી દરમિયાન ફેડરલ પ્રોસિક્યુટર્સે દલીલ કરી હતી કે રાણા જાણતો હતો કે તેનો બાળપણનો મિત્ર પાકિસ્તાની-અમેરિકન ડેવિડ કોલમેન હેડલી લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો અને હેડલીની મદદ કરીને અને તેને તેની પ્રવૃત્તિઓ માટે કવર આપીને તે આતંકવાદી સંગઠનને ટેકો આપી રહ્યો હતો. રાણાને હેડલીની મીટિંગ, શું ચર્ચા કરવામાં આવી હતી અને કેટલાક ટાર્ગેટ સહિત હુમલાના પ્લાનિંગની જાણકારી હતી.યુએસ સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાણા ષડયંત્રનો ભાગ હતો અને તેને આતંકવાદી કૃત્ય આચરવાનો નોંધપાત્ર ગુનો કર્યો હતો.

LEAVE A REPLY