REUTERS/James Oatway/File Photo

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 22થી 24 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલી બ્રિક્સ દેશોની સમીટમાં સામેલ થવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે આફ્રિકા જવા રવાના થયાં હતાં. આ સમીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે કે નહીં તે અંગે ભારે સસ્પેન્સ છે. જો પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે તો મે 2020માં ભારત-ચીન સરહદ વિવાદ પછીની પ્રથમ બેઠક હશે. બંને નેતાઓ ગયા વર્ષે નવેમ્બરમાં ઇન્ડોનેશિયાના પ્રેસિડન્ટ જોકો વિડોડો દ્વારા આયોજિત G20 ડિનરમાં થોડા સમય માટે મળ્યાં હતાં.

વડાપ્રધાન જોહાનિસબર્ગમાં બ્રાઝિલ, ચીન, રશિયા અને દક્ષિણ આફ્રિકાના નેતાઓ સાથે જોડાશે. 2019 પછી સૌપ્રથમ બ્રિક્સ દેશના નેતાઓની રૂબરુ સમિટ યોજાઈ રહી છે. છેલ્લા ત્રણ વર્ષોમાં કોવિડ-19ને કારણે વર્ચ્યુઅલ રીતે બેઠકો યોજવામાં આવી હતી.

PM મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ વચ્ચે બેઠકની સંભાવના વિશે પૂછવામાં આવતાં, વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ગઈકાલે કહ્યું હતું કે તેમનું શેડ્યૂલ હજુ પણ નક્કી થઈ રહ્યું છે. બ્રિક્સના વિસ્તરણના મુદ્દે અમે હકારાત્મક વલણ ધરાવીએ છીએ.

વડા પ્રધાન વહેલી સવારે બ્રિક્સ સમિટ માટે રવાના થયા ત્યારે તેમણે કહ્યું કે આ સમીટ સભ્યોને “સહકારના ભાવિ ક્ષેત્રોને ઓળખવા” માટે ઉપયોગી તક પૂરી પાડશે. અમે એ વાતને મહત્ત્વ આપીએ છીએ કે સમગ્ર ગ્લોબલ સાઉથ માટે ચિંતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા અને વિચાર-વિમર્શ કરવા માટે બ્રિક્સ એક મંચ બની ગયું છે.

જૂન 2020માં ગલવાન ખીણમાં બંને દેશોની આર્મી વચ્ચે ભીષણ અથડામણ બાદ ભારત-ચીન સંબંધો બગડ્યા હતા. ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે પૂર્વી લદ્દાખની સરહદ પર કેટલાંક સ્થળો પર છેલ્લા ત્રણ વર્ષથી મડાગાંઠ છે.

LEAVE A REPLY