કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજકીય ભવિષ્ય માટે જોખમરૂપ હાઉસિંગ સંકટ દરમિયાન સરકાર વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાને નિયંત્રિત કરવાની વિચારણા સાથે સાથે તેમનું શોષણ કરતી યુનિવર્સિટીઓ-સંસ્થાઓ સામે કાર્યવાહી કરી રહી છે.
ન્યૂઝ એજન્સી- કેનેડિયન પ્રેસે એક રીપોર્ટમાં હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કમ્યુનિટીઝ પ્રધાન સીન ફ્રેઝરને ટાંકીને જણાવ્યું હતું કે, વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત હોવી જોઇએ તે એક વિકલ્પ છે, જેને ધ્યાનમાં લેવો જોઈએ. જ્યારે તમે કેટલીક સંસ્થાઓમાં વિદેશી વિદ્યાર્થીઓના શોષણની વાતો સાંભળો છો ત્યારે કેટલાક ખૂબ અઘરા પ્રશ્નો પૂછવા પડે છે.
ફ્રેઝરે જણાવ્યું હતું કે, કેટલીક સંસ્થાઓ કેનેડાના ભવિષ્યના કાયમી રહેવાસીઓ અને નાગરિકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના બદલે નબળા વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી નફો મેળવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેનેડામાં મકાન ભાડે આપવાનું વલણ વધ્યું હોવાથી વિદેશમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાવતી સંસ્થાઓએ પણ આવનારા લોકોને રહેવાસની સુવિધા પૂરી પાડવામાં ભૂમિકા ભજવવી જોઈએ.
કેનેડામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિરોધ પક્ષ-કન્ઝર્વેટિવ પાર્ટી સામે શાસક લિબરલ પાર્ટીની હાર થઇ હોવાથી, દેશમાં ઘરની સમસ્યા એક મુખ્ય પરિબળ હોવાનું માનવામાં આવે છે.
રેન્ટલ્સ. સીએ. ના રીપોર્ટ મુજબ, કેનેડામાં પ્રવેશતા વિદ્યાર્થીઓની વધતી સંખ્યાના કારણે ઘરના ભાડામાં વધારો થયો છે. કેનેડામાં એક બેડરૂમના એપાર્ટમેન્ટનું સરેરાશ ભાડુ જુલાઈમાં વધીને 2078 ડોલર થયું હતું. જ્યારે વાનકુંવરમાં એક બેડરૂમના સૌથી મોંઘા ફ્લેટ્સનું સરેરાશ ભાડુ 3000 ડોલર હતું. કેનેડામાં અંદાજે 800,000 વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી મોટો સમૂહ ભારતનો છે. 2022માં, 549,570માંથી 226,000 ભારતીયોને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા.