ફ્રાંસમાં સમુદ્ર કિનારા પાસેના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓફ લી ટૌકેટ પેરિસ-પ્લેજને બ્રિટનનાં સ્વ. રાણી એલિઝાબેથ દ્વિતીયનું નામ આપવાના પ્રસ્તાવને તેમના પુત્ર કિંગ ચાર્લ્સે મંજૂરી આપી છે. રાણી એલિઝાબેથનું ગત વર્ષે સપ્ટેમ્બરમાં 96 વર્ષની વયે નિધન થયું હતું.
આ અંગે નોર્ધન રીસોર્ટ્સ ટાઉન હોલ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ એરપોર્ટનું નામ બદલીને એલિઝાબેથ દ્વિતીય ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓફ ટૌકેટ પેરિસ-પ્લેજ કરવામાં આવશે. એરપોર્ટનું નામ બદલીને રાણી અને તેમના કાકાને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ છે, જેમને ફ્રાન્સ પ્રત્યે ગાઢ લાગણી હતી. એરપોર્ટના નવા નામકરણની વિધિની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.
બ્રિટિશ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસક રહેલા રાણીનાં નિધનના થોડા દિવસો પછી જ ફ્રેંચ સત્તાધિશોએ એરપોર્ટનું નામ બદલવા માટે વિનંતી કરી હતી.
કેલેસીસના દક્ષિણે લગભગ એક કલાકના રસ્તે આ ખૂબ જ લોકપ્રિય રીસોર્ટ-લે ટૌકેટ આવેલો છે, જ્યાં ફ્રેંચ પ્રેસિડેન્ટ એમ્માન્યુઅલ મેક્રોન અને તેમનાં પત્ની બ્રિગિટ્ટનું ઘર હોવાનું માનવામાં આવે છે. આ એરપોર્ટ 1930ના દાયકામાં શરૂ થયું હતું, અને ધીમે ધીમે તે ઉચ્ચ બ્રિટિશરોનું પસંદગીનું સ્થળ બની ગયું હતું.
ટાઉનહોલના જણાવ્યા મુજબ રાણીના કાકા એડવર્ડ આઠમા અહીં અનેકવાર વિમાન દ્વારા આવીને ઘોડેસવારીની મજા માણતા હતા અને રેતીમાં મોજ-મસ્તી કરતા હતા, ઘણીવાર તેમની ભત્રીજી પણ સાથે આવતી હતી. 1950ના દાયકામાં પેરિસના ઓર્લી અને ફ્રેંચ રીવીએરાના નાઇસ પછીનું આ સૌથી વ્યસ્ત ત્રીજુ એરપોર્ટ બન્યું હતું. આ વર્ષના અંતમાં લી ટૌકેટ ખાતે વર્લ્ડ કપની તૈયારી માટે ઇંગ્લેન્ડની રગ્બી ટીમનો ટ્રેનિંગ કેમ્પ યોજાશે.