આયર્લેન્ડના પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ ટી-20ની સીરીઝમાંથી પ્રથમ બે મેચમાં વિજય સાથે રવિવારે સીરીઝમાં પણ વિજય હાંસલ કર્યો હતો. રવિવારની બીજી મેચમાં ભારતે આયર્લેન્ડને 33 રને હરાવ્યું હતું. ભારતે પહેલા બેટિંગ કરતા પાંચ વિકેટે 185 રન કર્યા હતા. ઋતુરાજ ગાયકવાડે જવાબદારીપૂર્વક બેટિંગ કરતાં 43 બોલમાં 58 રન કર્યા હતા, તો સંજુ સેમસને 26 બોલમાં 40 અને પહેલી ટી-20 ઈન્ટરનેશનલ રમતા રીંકુ સિંઘે 21 બોલમાં 38 રન કરી ટીમને 185નો મજબૂત સ્કોર આપ્યો હતો. શિવમ દુબેએ પણ 16 બોલમાં અણનમ 22 રનનો મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આયર્લેન્ડ તરફથી મેક્કાર્થીએ બે અને માર્ક એડેર, ક્રેગ યંગ તથા બેન વ્હાઈટે એક-એક વિકેટ લીધી હતી.
જવાબમાં આયર્લેન્ડ તરફથી ઓપનર એન્ડી બાલ્બર્નીએ 51 બોલમાં 72 રન કરી મક્કમ પ્રતિકાર કર્યો હતો, પણ તેને સામે છેડેથી ખાસ સમર્થન મળ્યું નહોતું. ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 152 રન સુધી જ પહોંચી શકી હતી, પરિણામે ભારતનો 33 રને વિજય થયો હતો.
ઈનિંગની ત્રીજી અને પોતાની પહેલી ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે વિકેટ ખેરવી આયર્લેન્ડને ભીંસમાં લીધું હતું અને એ પછી છઠ્ઠી ઓવરમાં રવિ બિશ્નોઈએ હેરી ટેકટરની વિકેટ લઈ ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. ભારત તરફથી સુકાની બુમરાહે છેલ્લી બે વિકેટ ખેરવી હતી, તો પ્રસિદ્ધ ક્રિષ્ના તથા રવિ બિશ્વનોઈએ પણ બે-બે વિકેટ લીધી હતી. અર્શદીપે એક વિકેટ લીધી હતી, જ્યારે ડોકરેલ રનાઉટ થયો હતો. રીંકુ સિંઘને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. તેણે ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા સાથે છેલ્લી ઓવર્સમાં ધમાકેદાર બેટિંગ કરી હતી.
પ્રથમ ટી-20માં વરસાદનું વિઘ્ન, ભારતનો બે રને વિજયઃ ડબલિનમાં જ શુક્રવારે (18 ઓગસ્ટ) રમાયેલી પ્રથમ ટી-20માં વરસાદના વિઘ્ન પછી ટુંકાવાયેલી મેચમાં ડકવર્થ એન્ડ લુઈસના નિયમ મુજબ ભારતનો બે રને વિજય થયો હતો.
પહેલા બેટિંગ કરતાં આયર્લેન્ડે 7 વિકેટે 139 રન કર્યા હતા, જેમાં મેક્કાર્થીએ 33 બોલમાં અણનમ 51 અને કર્ટિસ કેમ્ફરે 33 બોલમાં 39 રન કર્યા હતા. આ બન્ને સિવાય બીજા ફક્ત બે બેટર બે આંકડાના સ્કોરે પહોંચ્યા હતા. ભારત તરફથી બુમરાહ, પ્રસિદ્ધ અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ તથા અર્શદીપે એક વિકેટ લીધી હતી. બુમરાહ માટે લાંબા વિરામ પછી આ શાનદાર વાપસી રહી હતી, તેણે મેચની અને પોતાની પહેલી જ ઓવરમાં બન્ને વિકેટ ખેરવી હતી.
એ પછી ભારત તરફથી યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે શાનદાર શરૂઆત કરી હતી અને વરસાદનું જોખમ હોવાના કારણે સંભવિત ટાર્ગેટને ધ્યાનમાં રાખી તે મુજબ રનરેટ જાળવી રાખ્યો હતો. 6.2 ઓવરમાં 46 રનની ભાગીદારી પછી જયસ્વાલ 24 રન કરી વિદાય થયો હતો, તો તિલક વર્મા પહેલા જ બોલે આઉટ થઈ ગયો હતો. પણ સાતમી ઓવર પુરી થયા પહેલા જ વરસાદ શરૂ થયો હતો અને અમ્પાયર્સે મેચ અટકાવી હતી, જે પછી ફરી શરૂ થઈ શકી જ નહોતી. એ રીતે, 6.5 ઓવરમાં ભારતે બે વિકેટે 47 રન કર્યા હતા, જેમાં ગાયકવાડ 19 અને સંજુ સેમસન એક રને અણનમ રહ્યા હતા. એ તબક્કે ડકવર્થ મુજબ ભારત માટે 45 રનનો ટાર્ગેટ આવતો હતો, પણ ટીમે 47 રન કર્યા હોઈ તેનો બે રને વિજય થયો હતો. આ મેચમાં બુમરાહને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.