વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે અમેરિકાના પ્રમુખપદ માટેના ઇન્ડિયન અમેરિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીને ખૂબ જ આશાસ્પદ ઉમેદવાર ગણાવ્યા હતા, જે દર્શાવે છે કે ટેસ્લાના બોસ અમેરિકા આગામી નેતા કોને જોવાનું પસંદ કરશે. ફોક્સ ન્યૂઝના ભૂતપૂર્વ એન્કર ટકર કાર્લસનને રામાસ્વામીના લીધેલા ઇન્ટરવ્યૂને ફરી પોસ્ટ કરીને મસ્કે જણાવ્યું હતું કે “તેઓ ખૂબ જ આશાસ્પદ ઉમેદવાર છે.”
38 વર્ષના રામાસ્વામીએ તેમના રાજકીય અને વૈશ્વિક દૃષ્ટિકોણ વિશે મસ્કના X (અગાઉ ટ્વિટર) પર 10 બુલેટ પોઈન્ટ્સ પોસ્ટ કર્યા હતા. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે “ભગવાન વાસ્તવિક છે, બે જાતિઓ છે, માનવ વિકાસ માટે અશ્મિભૂત ઇંધણની જરૂર છે, ખુલ્લી સરહદ કોઈ સરહદ નથી”, મૂડીવાદ લોકોને ગરીબીમાંથી ઉપર લાવે છે.
પ્રમુખપદના ઉમેદવારની પોસ્ટને ફરીથી પોસ્ટ કરતા મસ્કએ લખ્યું હતું કે “તેઓ તેમની માન્યતાઓ સ્પષ્ટપણે જણાવે છે.” અગાઉ પણ મસ્કએ ભારતીય-અમેરિકન રાજકારણીને “ખૂબ જ આશાસ્પદ ઉમેદવાર” ગણાવ્યા હતા. હાર્વર્ડ અને યેલમાંથી સ્નાતક થયેલા ઉદ્યોગસાહસિક રામાસ્વામી કેરળમાંથી યુ.એસ. સ્થળાંતર કરનાર ભારતીય માતા-પિતાને ત્યાં જન્મ્યાં હતાં.
ભૂતકાળમાં મસ્કએ ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હરીફ રોન ડીસેન્ટિસને ટેકો આપ્યો હતો, જેમણે પ્રેસિડન્ટ રેસ માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરવા માટે ટ્વીટર સ્પેસ ઇવેન્ટનો ઉપયોગ કર્યો હતો.
નિક્કી હેલી અને હર્ષ વર્ધન સિંહ સાથે રામાસ્વામી પણ રિપબ્લિકન પાર્ટી તરફ પ્રમુખપદના ઉમેદવાર બનવા માટે ટ્રમ્પ સામે મેદાનમાં ઉતર્યાં છે. રામાસ્વામીના ટીપ્પણીઓથી યુએસ રિપબ્લિકન પ્રાઇમરીની સ્પર્ધા રોમાંચક બની છે.