હું પીએમ તરીકે નહિં પણ એક હિન્દુ તરીકે ઉપસ્થિત રહ્યો છું: સુનક
વડા પ્રધાન ઋષી સુનક તા. 15 ઓગસ્ટના રોજ બપોરે કેમ્બ્રિજની જીસસ કોલેજ ખાતે ચાલી રહેલી વિશ્વવંદનીય સંત પ. પૂ. મારોરી બાપુની શ્રી રામ કથામાં હરે રામ હરે કૃષ્ણની ધૂન વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. પૂ. બાપુએ શ્રી સુનકનું અશિર્વચન આપી શ્યામ રંગની શૉલ ઓઢાડી નાનકડુ શિવલિંગ આપી ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તો શ્રી સુનકે પોતે એક વડા પ્રધાન નહિં પણ હિન્દુ તરીકે સૌ સમક્ષ ઉપસ્થિત રહ્યા હોવાનું અને હિન્દુ શાસ્ત્રો અને ધર્મગ્રંથો તેમને પ્રેરણા આપી રહ્યા છે તેમ જણાવ્યું હતું.
બ્રિટીશ વડા પ્રધાન શ્રી ઋષી સુનક કથાના આયોજક શ્રી લોર્ડ ડોલર પોપટ અને તેમના મદદનીશ તેમજ કાઉન્સિલર અમિત જોગીયા સાથે જીસસ કોલેજ સ્થિત કથા હોલમાં જઇ પહોંચતા વ્યાસપીઠ પરથી પૂ. મોરારી બાપુએ તેમનું સ્વાગત કર્યું હતું.
પૂ. બાપુએ શ્રી સુનકને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે ‘’એક અદના સામાન્ય માણસની જેમ શ્રી સુનક આપણી વચ્ચે કથા સ્થળે પધારી રહ્યા છે. આપના નેતૃત્વમાં બ્રિટનની જનતાની સેવા કરવાનું હનુમાનજી બળ આપે એવી પ્રાર્થના. તમે આજે ભારતના સ્વાતંત્ર્ય દિન પ્રસંગે અહિં આવ્યા છો ત્યારે ભારતના 140 કરોડ લોકો વતી એક સાધુ તરીકે વ્યાસપીઠ પરથી આપનું સ્વાગત કરૂ છું. તમે ખુશ રહો.’’
શ્રી સુનક આ પ્રસંગે આંખો બંધ કરી બન્ને હાથ ઉંચા કરી રામ ધૂન અને હનુમાન ચાલીસાના પઠનમાં પણ જોડાયા હતા. તો તેમણે પૂ. બાપુને શાલ ઓઢાડી પોથીનું પૂજન પણ કર્યું હતું.
લોર્ડ ડોલર પોપટે ટુંકા સંબોધનમાં જણાવ્યું હતું કે ‘’સૌને મારા જય સિયારામ. બાપુ આપને જેમની ઓળખ કરાવું છું તે શ્રી ઋષી સુનકને તો હું ધણાં વર્ષોથી ઓળખું છું. હું ગૌરવપૂર્ણ બ્રિટીશ ભારતીય અને હિન્દુ છું. હું અહિં બ્રિટનમાં રહુ છું માટે નહિં પણ બ્રિટન મારી નસનસમાં વસે છે માટે મને ગર્વ છે. હું શબ્દોમાં તેનું વર્ણન કરી શકતો નથી. પરંતુ આજે આપણી સાથે બ્રિટનના વડા પ્રધાન ઉપસ્થિત છે. અને હું તેમને વિનંતી કરીશ કે તેઓ કઇંક કહે.’’
શ્રી સુનકે આ પ્રસંગે ટૂંકુ સંબોધન કરતાં પૂ. બાપુને વંદન કરી જય સિયારામના ઉદ્ગાર સાથે જણાવ્યું હતું કે ‘’આજે ભારતના સ્વાતંત્ર્ય દિને કેમ્બ્રિજ યુનિવર્સીટીનાં કથામાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું છે. બાપુ, આજે હું અહિં એક પીએમ તરીકે નહિં પણ એક હિન્દુ તરીકે ઉપસ્થિત રહ્યો છું. મારા માટે ધર્મ વ્યક્તિગત આસ્થા છે. તે મને મારા જીવનના દરેક તબક્કે માર્ગદર્શન આપે છે. એક વડા પ્રધાન હોવું તે બહુ મોટા ગૌરવની વાત છે પરંતુ તે આસાન કામ નથી. બહુ મુશ્કેલ નિર્ણયો લેવાના હોય છે અને અઘરી પસંદગી કરવાની રહે છે. પણ આ બધામાં મને આપણો હિન્દુ ધર્મ હિંમત, શક્તિ અને તકલીફોમાં ખડે પગે ઉભા રહેવાનું બળ આપે છે. જેના કારણે હું આપણા દેશ માટે ઘણું કરી શકું છું.’’
વારંવાર શ્રોતાઓની તાળીઓના ગડગડાટ વચ્ચે શ્રી સુનકે જણાવ્યું હતું કે ‘’હું ચાન્સેલર હતો ત્યારે 11 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે જ્યારે દિપાવલીના શુભ દિવસે ઘરના દરવાજા પર દિપક પ્રગટાવીને મૂક્યા તે પળ મારા માટા બહુ જ સુખદ અને સારી હતી. બાપુ આપની વ્યાસપીઠની પાશ્ચાદભૂમાં જેમ હનુમાન દાદાની મૂર્તિના દર્શન થાય છે, તેવી જ રીતે હું સદ્ભાગી છું કે મારી ઓફિસ – 10 ડાઉનીંગ સ્ટ્રીટના ડેસ્ક પર ગણેશ ભગવાનની ગોલ્ડન પ્રતિમા છે. જે પ્રતિમા સતત મને યાદ કરાવે છે હંમેશા સાંભળો, અને કોઇ પણ નિર્ણય લેતા પહેલા વિચાર કરો. તે માટે હું એક બ્રિટીશ તરીકે અને એક હિન્દુ તરીકે ગર્વ અનુભવું છું.‘’
શ્રી સુનકે જણાવ્યું હતું કે ‘’હું મારા પરિવારજનો સાથે હંમેશા અમારા સાઉધમ્પ્ટન ખાતે આવેલા હિન્દુ મંદિરની મુલાકાત લેતો હતો. મારા ભાઇ – બહેન અને કઝીન સાથે અમે હંમેશા હવન, પૂજા, આરતી વગેરે કરતા અને અમે સૌને પ્રસાદ પણ આ પીરસતા. આજ રીતે પૂ. બાપુ પણ આપણને સૌને કોઇ જ અપેક્ષા વગર સેવા આપી મુલ્યોની જાળવણી કરે છે. આપ જે હિન્દુ મૂલ્યોનું સિંચન કરો છે તેવા જ બ્રિટીશ મુલ્યો અમે ધરાવીએ છીએ. મારા દાદા-દાદી અને માતા પિતા ભારત કે ઇસ્ટ આફ્રિકાથી આવ્યા હતા. તે જ વાર્તા અહિં ઉપસ્થિત આપ સૌની છે. તમે આ દેશને પુશ્કળ મહેનત કરી પુશ્કળ અપ્યું છે જે બદલ હું આપ સૌની સરાહના કરૂ છું. હુ એ પેઢીઓનો આભાર વ્યક્ત કરૂ છું જેમણે આપણને સૌને શિક્ષણ મળે તે માટે દિવસ રાત જહેમત ઉઠાવી હતી. તમારા વગર હું અને આપણે આ સ્થાને પહોંચી શક્યા ન હોત. આજે મારી પેઢીએ તે બધુ પરત કરવાનો સમય આવ્યો છે.‘’
શ્રી સુનકે જણાવ્યું હતું કે ‘’પૂ. બાપુ રામાયણના પાઠ કરે છે. હનુમાન ચાલીસા ગીતા, ભગવાન રામ મારા માટે પ્રેરણાસ્ત્રોત છે. તે જ મને જીવન અને સેવા કરવાનું બળ આપે છે. બાપુ, તમારા અશીર્વાદથી – આજે શાસ્ત્રોમાંથી નેતાઓએ કઇ રીતે શાસન કરવું તેની શિક્ષા મને મળે છે.’’
શ્રી સુનકે મંચ પરથી તાળીઓ પાડી બાપુની સેવાઓને વધાવી લેતા કહ્યું હતું કે ‘’તમે બધા માટે જે કરો છો તે માટે હું તમારો આભાર માનુ છું. તમારૂ શિક્ષણ, પ્રેમ અને દયા અગાઉની સરખામણીએ આજે બહુ જ અગત્યના થઇ પડ્યા છે. તમારૂ જોમ અને ભક્તિ અનન્ય છે કે તમે એક સપ્તાહ પહેલા ભારતમાં કથા કરી ટૂંકા વિરામ બાદ 12,000 કિલોમીટર દૂર કેમ્બ્રિજમાં કથા કરવા ઉપસ્થિત રહ્યા છો. બ્રિટીશ પ્રજા અને અહિં ઉપસ્થિત સૌનો પ્રમ અને ટેકો મને મળે છે તે મને બહુ ગમે છે અને તે જ મારે મન સોનાનો સોદો છે. મને અહિં જે માનભર્યો ઉમળકાભેર આવકાર મળ્યો છે તેના માટે આભાર વ્યક્ત કરી આપ સૌને શુભેચ્છાઓ આપુ છું. આપણે સૌ બહુ જલ્દીથી મળીશું.’’
શ્રી સુનકે પોતાનું પ્રવચન પૂર્ણ કર્યા બાદ પૂ. બાપુને વંદન કરી કથામાં ઉપસ્થિત એવા પૂ. બાપુના સંગીતકારો તથા સૌ ભક્તો સાથે હાથ મીલાવી તેમનું સૌનું અભિનાદન કર્યું હતું. આ પ્રસંગે શ્રી સુનક, લોર્ડ ડોલર પોપટ, શ્રીમતી સંધ્યાબેન પોપટ, તેમના પરિવારજનો, કાઉન્સિલર અમિત જોગીયા, શ્રી સચદેવ, તથા ઉપસ્થિત અગ્રણીઓએ પોથીની આરતી ઉતારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે લોર્ડ ડોલર પોપટ અને તેમના પરિવાર દ્વારા આ કથાનું ખાસ યોજન કરવામાં આવેલ છે. લોર્ડ ડૉલર ઘણાં લાંબા સમયથી પૂ. મોરારી બાપુના અનુયાયી અને ભક્ત છે. આ અગાઉ લોર્ડ ડોલર પોપટ પીઅર બન્યા ત્યારે પૂ. બાપુ હાઉસ ઓફ લોર્ડ્સમાં તેમના દીક્ષાંત સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.