લેસ્ટરમાં બેલગ્રેવ નેઈબરહૂડ સેન્ટર ખાતે ઘણાં લાંબા સમયના અંતરાલ બાદ ૧૨મી ઓગષ્ટના રોજ ગુજરાતી લિટરરિ ગ્રુપ ઓફ લેસ્ટરના નેજા હેઠળ ગુજરાતી હસાયરો અને મુશાયરો યોજાયો હતો. જેમાં યુકેના બોલ્ટન, બ્લેકબર્ન, બેટલી, બર્મીંગહામ જેવા વિવિધ શહેરોમાંથી કવિઓ પધાર્યા હતા.
લેસ્ટરના સ્થાનિક નવોદિત સર્જકોને કવિતા પઠન કરવા મુશાયરાના સંચાલક અદમ ટંકારવીએ રજુ કર્યા હતા. ખાસ તો બર્મિંગહામના કવિ અને સાહિત્યને વર્ષોથી ટેકો આપનાર પ્રફૂલભાઈ અમીનનું અતિથિ વિશેષ તરીકે શાલ ઓઢાડી ડો. રાજપરા તથા સાધનાબેનના હસ્તે સન્માન કરાયું હતું.
મંચ પરથી અદમ ટંકારવી સાથે અબ્દુલકરીમ ઘીવાલા તથા પ્રફુલભાઈ બિરાજમાન હતા. તો બેદાર લાજપુરી, દિલીપ ગજ્જર અને યુસૂફ સિદાતે આયોજીત કરેલા મુશાયરાની સફળતાને બધાએ બિરદાવી હતી અને ફરીથી આવા કાર્યક્રમો થતા રહે તેવી અપેક્ષા રાખી હતી.
આ ગુજરાતી હસાયરા અને મુશાયરામાં પ્રફુલ અમીન, અદમ ટંકારવી, અહમદ ગુલ, શબ્બીર કાજી, પ્રેમી દયાદરવી, ભારતીબેન વોરા, પ્રિયા ટાંક, વૈદેહી પંચોલી, વસુ ગાંધી, સાધના વૈધ, બેદાર લાજપુરી, દિલીપ ગજ્જર, ઋતુરાજ બિહોલા, વિનોદ ઘડિયાળી, ઇશ્વર ચૌહાણ, મધુબેન ચાંપાનેરી, ઇમ્તિયાઝ પટેલ અને અશોક પટેલે પોતાની રચનાઓ રજૂ કરી હતી.