ફ્રાન્સથી બ્રિટન વચ્ચેની ઇંગ્લિશ ચેનલને પાર કરવાનો પ્રયાસ કરતી વસાહતીઓની બોટ ડૂબી જતાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે બે વ્યક્તિઓ સંભવતઃ ગુમ થઇ હોવાના અહેવાલ છે. ફ્રાન્સ અને યુકેની બચાવ બોટોએ લગભગ 60 વસાહતીઓને બચાવી લઇ તેમને ફ્રેન્ચ અથવા બ્રિટિશ દરિયાકિનારા સુધી પહોંચાડ્યા હતા. બચાવ પ્રયાસો હજુ ચાલુ છે.
સ્થાનિક મેયર ફ્રેન્ક ધેરસિને જણાવ્યું હતું કે ‘’દરિયાકાંઠાના શહેર સંગાટ્ટની નજીક મૃતદેહો મળ્યાં બાદ તા. 12ની સવારે 6 વાગ્યે એક વિશાળ બચાવ કામગીરી શરૂ કરાઇ હતી. તે જ સમયે ડઝનેક પરપ્રાંતીય બોટોએ ક્રોસિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. કેટલીક બોટ ગંભીર મુશ્કેલીઓનો સામનો કરતી હતી.”
બ્રિટનના કોસ્ટગાર્ડે કહ્યું હતું કે તેણે કોસ્ટગાર્ડ રેસ્ક્યુ ટીમ અને એમ્બ્યુલન્સ સ્ટાફને ચેનલ રેસ્ક્યુમાં મદદ કરવા ડોવરથી લાઇફ બોટ મોકલી હતી. તો યુકે બોર્ડર ફોર્સના જહાજ અને બે લાઇફબોટ્સે બીજી નાની હોડીઓમાં સવાર તમામ લોકોને બચાવવામાં મદદ કરી હતી.
ઓપિનિયન પોલ્સમાં સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી પાછળ છે ત્યારે મતદારોનો ટેકો મેળવવા વડા પ્રધાન ઋષિ સુનકની સરકારે નાની બોટમાં આવતા એસાયલમ સિકર્સની સંખ્યા ઘટાડવા વચનો આપ્યા છે. આંકડા દર્શાવે છે કે આ વર્ષે અત્યાર સુધીમાં ચેનલ ક્રોસિંગ કરીને આવનાર વસાહતીઓની સંખ્યા 16,000 કરતાં વધુ છે, જેમાં 1,100 થી વધુ લોકો માત્ર પાછલા અઠવાડિયામાં જ આવ્યા છે. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં નાની બોટોમાં આવનાર મોટાભાગના લોકો અફઘાનિસ્તાન, ભારત, ઈરાન અથવા ઈરાકના હતા.
વિશ્વની સૌથી વ્યસ્ત શિપિંગ લેન પૈકીની એક ફ્રાન્સ અને બ્રિટન વચ્ચેની ચેનલમાં પાણીનો કરંટ મજબૂત હોય છે, જે નાની બોટના ક્રોસિંગને જોખમી બનાવે છે. દરિયાઇ મોજાઓની થાપટો વચ્ચે માનવ તસ્કરો ડીંગીઓને ઓવરલોડ કરે છે. જે બોટના ડૂબવાનું કારણ બને છે.
નવેમ્બર 2021માં 27 વસાહતીઓની ડીંગી બોટ ડૂબી જતા મરણ પામ્યા હતા. ભૂમધ્ય સમુદ્રમાં પણ શનિવારે વસાહતીઓથી ભરેલી ઓવરલોડ હોડી ડૂબતા 76 લોકોને બચાવાયા હતા. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનના અહેવાલ અનુસાર, 2014 થી અત્યાર સુધીમાં 22,000થી વધુ લોકો પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા છે અથવા ગુમ થયા છે.